पूरा नाम | श्री मेरुभा गढ़वी |
---|---|
माता पिता का नाम | लीला शाखा के चारण मेघाणंद गढ़वी और माता शेणीबाई के घर हुआ था। |
जन्म व जन्म स्थान | जन्म गुजरात राज्य के सौराष्ट्र में फागन सूद – 14 संवत 1962 को छत्रावा गांव दिनाक – 09/03/1906 |
स्वर्गवास | |
कविश्री काग के स्वर्गवास बाद 01-04-1977 को सवा महीने के बाद ही उनका स्वर्गवास हो गया | |
अन्य | |
जीवन परिचय | |
મેઘાવી કંઠના ગાયક શ્રી મેરૂભા ગઢવીનો જન્મ સૌરાષ્ટ્રમાં લોકવાર્તાઓ દ્વારા લોકસાહિત્યના સંસ્કાર ચેતાવનારા છત્રાવા ગામના લોકસાહિત્યના આરાધક પિતા મેઘાણંદ ગઢવી લીલા શાખાના ચારણને ખોરડે માતા શેણીબાઈની કૂખે સંવત ૧૯૬૨ના ફાગણ સુદ ૧૪ ના રોજ થયો. ગામડા ગામની અભણ માતાએ ગળથુથીમાં જ ખાનદાની, સમાજસેવા અને ભક્તિના સંસ્કારો બાળકમાં રેડ્યા. ચાર ગુજરાતીનું અક્ષરજ્ઞાન પ્રાપ્ત કરી બાળક મેરૂભાએ શાળાને સલામ કરી અને પછી આછી-પાતળી ખેતીમાં જોડાયા. પિતાની વાર્તા કથની મુગ્ધભાવે અને અતૃપ્ત હૈયે માણતા મેરૂભા લોકસાહિત્યના સંસ્કારોના રંગે રંગાઈ ગયા. ઈ.સ. ૧૯૩૭માં નડિયાદમાં ગુજરાતી સાહિત્ય પરિષદનું અધિવેશન યોજાયું હતું. એ અરસામાં “શારદા’ માસિકના ઉત્સાહી તંત્રી અને લોકસાહિત્યના ભેખધારી ગોકળદાસ રાયચૂરા સૌરાષ્ટ્રના નિરક્ષર સાક્ષર તરીકે જેમની ગણના થતી હતી તે સુપ્રસિદ્ધ વાર્તાકાર મેઘાણંદ ખેંગાર ગઢવીને લઈને આવેલા હતા. એ વખતે તેમની સાથે એકવીસ વર્ષની ઉમરનો અલપ-ઝલપ કરતો એક લવર મૂછિયો જુવાનિયો આવેલ. કાર્યક્રમ પ્રસંગે કેડિયું, ચોરણો અને માથે પાઘડીનું મોટું ફિંડલું મુકીને બેઠેલા જુવાનિયાના ભરાવદાર મોં પર પ્રતિભા દર્શન તરવરતા ભાવોને નીરખીને શ્રી મોતીભાઈ અમીને રાયચૂરાને પૂછ્યું. “માળો, આ જુવાનિયો કોણ?” ઢુંકડા બેસીને આ વાત સાંભળતા મેરૂભાના મોં પર ક્ષોભની છાયા ફરી વળી. રાયચૂરાને કરેલા પ્રશ્નના ઉત્તરમાં પિતા ભણી આંગણી ચીંધી ધરતી માથે નજર ઢાળી બોલ્યા, એમાં બાપુ શું? “મોરનાં ઈંડાને ભલા આદમી ચીતરવાના હોય?” પિતાની આજ્ઞા થતાં મેરૂભાએ ક્ષોભના સઘળાં બંધનો ફગાવી દીધાં અને ભાવનગરના રાજકવિ પિંગળશી પાતાભાઈએ રચેલ રાધા-કૃષ્ણની બારમાસીનો ત્રિભંગી છંદ પહાડી અવાજે ઊપાડ્યો. “કહું માસ કાતી, તીય મદમાતી, આમ કારતકથી માંડીને આસો માસ સુધી રાધાની મન સ્થિતિનું અને પ્રકૃતિનું વ્રજભાષામાં વર્ણન પૂરું કર્યું. ત્યારે જાણે કે ભૂતળ ઉપર ભૂલો સ્વર્ગલોકનો પડેલો ગાંધર્વ તેના સાથીદારને પહાડી સાદે ધરતી પર નોતરતો હોય તેવો ભાસ થયો. મેરૂભાના બુલંદ કંઠમાંથી નીકળતો ધીર ગંભીર અવાજ અને એ અવાજની મીઠાશને દસ હજારની માનવમેદની સ્તબ્ધ બનીને ગળતી રાતે માણતી રહી. જાહેર કાર્યક્રમો આપવાની આ સૌ પ્રથમ શરૂઆત હતી. પછી તો એમની કીર્તિને જાણે પાંખો ફૂટી! “મેરૂભા ઊંચો મેરથી, છાવે બડ ચિત્ત એ અરસામાં મેરૂભા અને રાયચૂરાની જોડી જામી. બંનેએ મળીને સમાજમાં લોકસાહિત્યના સંસ્કાર વહેતા રાખવા કવિતા, વાર્તા અને કહેણી દ્વારા અથાગ ઉદ્યમ આદર્યો. ઈ.સ. ૧૯૩૪માં કવિ કાગ, મેઘાણી અન મેરૂભાનું સૌપ્રથમ મિલન થયું. પ્રથમ મુલાકાતે જ એકબીજાના અંતરમાં હેત-પ્રીતની જાણે હીરલગાંઠ બંધાણી. પોતાના આદરણીય મિત્ર દુલાકાગનું સ્મરણ રાખવા એમણે પોતાના નાના ભાઈ પિંગળશીભાઈ ગઢવીના પુત્રનું નામ ‘દુલા’ રાખી દીધું. એ મોટો થઈ ડોક્ટર બન્યો. છતાં એને પ્રેમથી મેરૂભા ડો. દુલો કહી બોલાવતા. પછી કવિ કાગના કાર્યક્રમમાં મેરૂભા અચૂક હાજર જોવા મળે. પોતાની મીઠી હલકથી કાગવાણીનાં ગીતો અને ભજનો રજૂ કરીને શ્રોતાઓને ડોલાવી દે. આમ, કાગવાણીનાં ગીતોને લોકહૈયાં સુધી ગૂંજતા કરવાનો યશ જો કોઈને આપવો હોય તો મેરૂભા ગઢવીને આપવો જોઈએ. એટલે જ કવિ કાગ આભારવશ બનીને ઘણીવાર કહેતા, મારાં ગીતોને મેરૂભાએ પાંખો આપી ઊડતા કર્યા છે. અને લોક હૈયે રમતાં કર્યા છે.” જયમલભાઈ પરમાર સાચું કહે છે, “મેઘાણી અને રાયચૂરાના અવસાન પછી લોકસાહિત્યના ઝંડાધારીમાં કવિ કાગ અને મેરૂભાનું મિલન સધાયું. એ બે ના મિલનમાં કંઠ અને કવિતા, ભાવ અને ભક્તિ, સૌજન્ય અને સેવાની જુગલબંધી સધાઈ. લોકજીવનના વનઉપવનની કૂંજો એમણે મહેકાવી ગૂંજતી રાખી. કવિતા રચી શકે તેવું ઊર્મિશીલ હૃદય અને શબ્દ સામર્થ્ય ધરાવતા હોવા છતાં મેરૂભાએ એ દિશા ખેડવાને બદલે કાવ્યોને કંઠ આપીને સમાજમાં હરતાં-ફરતાં, રમતાં અને ગૂંજતા કર્યા છે. જ્યારે મેરૂભાની મુલાકાત જોરાવરસિંહ જાદવને થઈ ત્યારે તેણે કહેલ કે, “તૈયાર રસોઈનું ભાણું મળી જતું હોય તો રાંધવાની કડાકૂટ કોણ કરે? આવાં રૂડારૂપાળાં તૈયાર કાવ્યો, ગીતો અને ભજનો મળતાં હોય તો નવાં રચવાની માથાકૂટમાં કોણ પડે?” પ્રા. દ્વિજે મેરૂભાની શક્તિ અને લોકસાહિત્યની રજૂઆતની કથાને અંજલી આપતાં ખરું જ કહ્યું છે કે, “પોતે કવિ ન હોવા છતાં કવિતાને કંઠ આપીને તેની તમામ છટાથી સાર્થક કરતાં.” તેમના કંઠમાં કંપન હતું, વેધકતા હતી, દર્દ હતું. એમના કંઠની ભવ્ય બુલંદી આસપાસ બેઠેલાઓને સ્વરલોકની પાત્રાએ ઉપાડી કોઈ નવી જ ભૂમિકા પર લઈ જતી. એમની સુરાવટ કોઈ સિદ્ધહસ્ત ગવૈયાઓને અતિ સાધનાએ જવલ્લે રસ પડે એવી હૃદય ડોલાવી નાખે તેવી હતી. શ્રી રાયચૂરાના સાનિધ્યએ મેરૂભાના હૃદયમાં રાષ્ટ્રિય ભાવનાનાં બીજ રોપ્યાં. માતા સરસ્વતીની ઉપાસના સાથે એમણે ગુજરાતમાં ભમતા રહી ગાંધીયુગના સાહિત્ય સંસ્કારની ચેતનાને દિવો જલતો રાખ્યો. ઠેરઠેર યોજાતા કાર્યક્રમોમાં ગાંધીગીતો અને કબાઉતના દુહા ગૂંજવા લાગ્યા. “વણ ભાલા વણ બરછી, વણ બંદૂક વણ તોપ, આ ગીતો ઉપરાંત ત્રિભોવન વ્યાસ કૃત “ધન્ય હો ધન્ય સૌરાષ્ટ્ર ધરણી” મેદાણંદજીના રાષ્ટ્રભાવનાનાં ગીતો પણ તેમના કંઠે ગવાતાં હતાં. માદરે વતન છત્રાવાથી શરૂ થયેલી તેમની અર્ધી સદી ઉપરાંતની સાહિત્યયાત્રા અમદાવાદ, વડોદરા, દિલ્હી અને મુંબઈથી માંડીને આફ્રિકા સુધી પહોંચી. તેમનું વ્યક્તિત્વ પણ નિર્મળ નીર જેવું પવિત્ર અને બહુરંગી હતું. તેઓ માત્ર લોકસાહિત્યના આરાધક અને ગાયક જ ન હતા. પણ દીર્ઘદૃષ્ટા અને સમાજસુધારક પણ હતા. ચારણ કન્યાઓની કેળવણી અને તેમણે રૂપિયા બે લાખની ટહેલ નાંખી. ચારણ, ક્ષત્રિયના નાતે જામનગરના રાજમાતા ગુલાબકુંવરબા પાસેથી એક લાખ એક હજાર એકસોને એક રૂપિયા પ્રાપ્ત કરીને પોરબંદરમાં ચારણકન્યા છાત્રાલય ઊભું કર્યું. છત્રાવા ગામમાં હરિજનો માટે ૧૬ ઓરડાની વસાહત બંધાવી. ગામના ગરીબ ભંગીને પોતાના ખર્ચે ખોરડું કરાવી આપ્યું. કન્યાશાળા અને કુમારશાળાના ઓરડા બંધાવી દીધા. લોકસાહિત્ય અને સંસ્કૃતિના મશાલચી તથા સમાજસુધારક મેરૂભાનું ગાયકવાડ સરકાર, સૌરાષ્ટ્ર નૃત્યનાટ્ય અકાદમી, આર્ય કન્યા ગુરુકુળ, આઈ. એન. ટી. મુંબઈ અને ચારણ સાંસ્કૃતિક સેવા મંડળ જેવી અનેક સંસ્થાઓએ વખતો વખત સન્માન કરીને તેમની સેવાને બિરદાવી છે. દ્વારકામઠના જગતગુરુ શ્રીમદ્ શંકરાચાર્યજીએ તેમને “કવિરત્ન’નો ઈલ્કાબ આપી તેમની કદર કરી છે. ઉત્તરાવસ્થામાં ભક્તિના રંગે રંગાઈ ગયેલા મેરૂભાએ ભારતના મોટાભાગના તીર્થોની યાત્રા કરીને પ્રભુસ્મરણમાં મનને પરોવ્યું. તમામ પ્રવૃત્તિઓમાંથી નિવૃત્તિ લીધી. ત્યાં ધર્મપત્નીનો સ્વર્ગવાસ થયો. પત્નીના અવસાનના આઘાતની કળ વળી ન હતી ત્યાં કવિશ્રી કાગના નિધનના દુઃખદ સમાચાર સાંભળી મેરૂભા સાવ ભાંગી પડ્યા. તા. ૧-૪-૭૭ના રોજ ફક્ત સવા મહિના પછી જ એમનો જીવનદીપ બુઝાઈ ગયો. જીવનની માયા સંકેલી તેઓ જાણે કે ભગતબાપુને મળવા લાંબા ગામતરે ઉપડી ગયા. વિશ્વની મહાયોતમાં લોકકવિતાની કલાના કસબી કવિ કાગ અને કંઠ કહેણીના મશાલચી એવા લાડીલા લોકગાયક મેરૂભા ગઢવીની જીવનજયોત વિલીન થઈ ગઈ. તેમણે કરેલી લોકસાહિત્ય, લોકસંસ્કૃતિ અને સાહિત્ય-સેવાઓને ગુજરાત કદી વિસરી શકશે નહિ. આકાશવાણી રાજકોટે મેરૂભાના કંઠે અનેક cs ગીતોનું રેકોડીંગ કરી સંગ્રહી રાખ્યું છે. તેમના અવાજ માં ગવાયેલું ગીત,ભજન, સાહિત્ય અને હરિરસ ના દુર્લભ ઓડીયો સાંભળો પ્રેષિત- સંકલનઃ મયુર. (સિધ્ધપુરા -જામનગર) |
.
मेरुभा गढ़वी रचित अथवा उनसे सम्बंधित रचनाओं, आलेख अथवा ऑडियो वीडियो पढ़ने देखने के लिए नीचे शीर्षक पर क्लिक करें –
.
2 Responses
મેરુ અષાઢી મોરલો,એની ગુંજ ગામે ગામ,
સાહિત્ય ની સરવાણી માં,રમે સુંદર શ્યામ.
આજે એમના જન્મ દિવસે સત્ સત્ નમન સહ જય શ્રી સ્વામિનારાયણ જય માતાજી.
મેરૂભા અમર રહો🙏