चारण शक्ति

Welcome to चारण शक्ति

माँ नागबाई

माँ नागबाई

पूरा नामआई नागबाई
माता पिता का नामपितानुं नाम हरजोग गढवी, 
जन्म व जन्म स्थानजन्म वि.सं . १४३९ इ.स. १३८३ लगभग थएलो तेम लागे छे,
स्वधामगमन
 
विविध
 

 जीवन परिचय

આઈ નાગબાઈ (ચોરાશીના ચાકળાવાળાં) – આઈ નાગબાઈ જુનાગઢના છેલ્લા રા’ માંડલિક ત્રીજાનાં સમકાલીન હતાં. રા’ માંડલિક સં, ૧૪૮૯ ઈ. સ. ૧૪૩૩ માં ગાદીએ આવ્યો, એ વખતે તેની ઉમ્મર વિશેક વર્ષની હતી. એટલે તેનો જન્મ વિ. સં. ૧૪૬૯ ઈ. સ. ૧૪૧૩ આસપાસ થયો હોવાનું જણાય છે. અને આઈ નાગબાઈનો પુત્ર ખૂટકરણ રા’ માંડળિકથી દશેક વર્ષે મોટો હતો. એટલે આઈ નાગબાઈ રામાંડલિક કરતાં ત્રીશેક વર્ષ મોટાં હોવાથી તેમનો જન્મ વિ. સં. ૧૪૩૯ ઈ. સ. ૧૩૮૩ લગભગ થએલો તેમ લાગે છે,

આઈ નાગબાઈના પિતાનું નામ હરજોગ ગઢવી. તેમની શાખ અટક માદા. તેઓ જુનાગઢ પાસે ધણકુલીઆ નામના આ ગામે રહેતા હતા. ઘણા સુખી હતા. ખૂબ ભેંશો, ગાયો રાખતા અને ખેતી કરાવતા. આઈને જુનાગઢથી દક્ષિણે દશેક માઈલ પર આવેલ દાત્રાણા નામે ગામના ગઢવી રવિસુર (રવસુર) ગોરવીઆળા સાથે પરણાવેલાં. તેઓ ગામ ધણી જાગીરદાર હતા. એમની જાગીરમાં દાત્રાણા ઉપરાંત મોણિયા વગેરે ઘણા ગામે હતાં. આઈ નાગબાઈ બહુ સ્વરૂપવાન ન હતાં, પણ તેજસ્વી અને બહુ પ્રભાવશાળી હતાં. જગદંબાનાં પરમ ઉપાસક અને ભક્તિ ધ્યાનમાં લીન રહેનારાં, વચનસિદ્ધિવાળાં હતાં. નાની વયથીજ તેઓ માતાજી તરિકે પ્રસિદ્ધ થઈ ગએલાં. હજારો મનુષ્યો તેમનાં દર્શને આવતાં. તેઓ નવરાત્રિનો ઉત્સવ બહુ મોટે પાયે ઊજવતાં. યજ્ઞ યાગ અને ચંડી પાઠનાં પુરશ્ચરણ થતાં. એ વખતે હજારો ભાવિકો એમને ત્યાં આવતાં. કહેવાય છે કે ચોર્યાશી ગામના લોકો નવરાત્રિમાં માતાજીનાં નૈવેદ્ય કરવા માટે દાત્રાણા આવતાં, એટલે ચરજોમાં આઈ નાગબાઈને “ચોર્યાશીના ચાકળાવાળા’ની ઉપમા આપવામાં આવી છે. રવિસુર ગઢવીને પહેલા લગ્ન થી ભોજો અને વેદો (ઉપનામ દૂદો) નામના બે પુત્રો થએલા. તેમાંથી ભોજો નિર્વશ સ્વર્ગવાસી થયા અને વેદા અથવા દુદાના વંશમાં ગોરવીઆળીના ગોરવીઆળા છે. અને રવિસુરનાં બીજાં લગ્ન આઈ નાગબાઈ સાથે થયાં તેમનો એકજ પુત્ર નામે ખૂટકરણ. એ ખૂટકરણનાં ધર્મપત્નિનું નામ આઈ મીણબાઈ, જે ખૂબ સ્વરૂપવાન, તેજસ્વી અને જેગમાયા સ્વરૂપ હતાં. ખુટકરણ અને મીણબાઈના ત્રણ પુત્રો તેમાંથી એક અપુત્ર થયા. અને બીજા બે તેમાંથી એક નાગાજણ અને બીજા સહૂદર, ઊપર કહ્યું તેમ ખુંટકરણ રા’માંડલિકથી દશેક વર્ષ મોટા હતા. અને એ બે વચ્ચે ગાઢ મિત્રાચારી હતી. ઉપરાંત ખૂટકરણનું ગારવીઆળા કુળ આઈ ગરવીના વખતથી જુનાગઢના રા’ના વંશ સાથે દશાંદી તરિકે સંકળાએલું હતું. ખુંટકરણું પાસે ‘સૂરજપશા નામનો એક થોકે થોકે રૂપાળો અને ભલો પાણીપંથો ઘોડો હતો. તેના પર સ્વાર થઈને ખુંટકરણ દરરોજ સવારમાં રા’પાસે જુનાગઢ આવતા અને આખો દિવસ રા’પાસે રોકાતા, રાજકાજમાં સલાહકારનું કામ કરતા. રા’ને કસુંબાનું બંધાણ હતું. એ બન્ને મિત્રો એક ભીજાના હાથે કસૂબો લેતા, સાથેજ જમતા અને ખૂંટકરણ દરરોજ સાંજે પાછા દાત્રાણે જતા. પ્રૌઢાવસ્થામાં ખૂટકરણ ગઢવીની તબીયત નરમ ગરમ રહેવાથી તેમના મોટા યુવાન પુત્ર નાગાજણે તેમનું સ્થાન સંભાળ્યું. એટલે તેઓ દરરોજ જુનાગઢ આવતા અને રા’ને કસુંબો પીવરાવતા. થોડાક સમયમાંજ નાગાજણના બુદ્ધિચાનુય’, રાજનીતિપટુતા, ચારણવટ અને સજ્જનતાની ઘણી સુંદર છાપ રા’માંડલિકના મન પર પડી. રા’ને તેના તરફ ખૂબ માન ઉપજયું, પોતાનાથી દશેક વર્ષ નાના નાગાજણ સાથે રા’ને નાગાજણના પિતા ખૂટકરણની જેમજ મિત્રભાવ દઢીભૂત થયો. અને હળવે હળવે રાજકાજમાં રા’ તેની સલાહ લેવા લાગ્યા.

આવી રીતે રા ‘ તથા નાગાજણ વચ્ચે વધતો જતો આત્મીયતાનો ભાવ રા’ના કેટલાક પાસવાનો, તેના હજૂરીયા અને બીજા કર્મચારીઓ – કારભારીઓને ખૂંચવા લાગ્યો, એમણે સંગઠિત રીતે રા’ના કાન ભંભેરવાનું શરૂ કરી દીધું. તેમણે ભેગા મળીને રા’ને કહ્યું. કે :-

“નાગાજણ પર આપ વધારે પડતો વિશ્વાસ રાખો છો તે બરાબર નથી. તેની વફાદારી અને વિશ્વસનીયતાની ખાત્રી કરવી જોઈએ” રા’એ કહ્યું કે “નાગાજણ ચારણ છે. આઈ નાગબાઈનો પૌત્ર છે. એની વિશ્વાસપાત્રતામાં મને તો કંઈ શંકા આવતી નથી. અને ધારો કે આપણે ખાત્રી કરવી હોય તો કેવી રીતે તે કરવી ? “એટલે કારભારીએ કહ્યું કે “બાપુ! ખાત્રી કરવી હોય તો નાગાજણ પાસે ભલો ઘોડો છે. રાજમાં શોભે એવો છે. એ ઘોડાની આપ માગણી કરી જુઓ. જો એ ઘોડો આપે તો એની વફાદારી, લાગણી અને રાજ ભક્તિ સાચાં સમજવાં, અને જો ન આપે તો સમજવું કે એ પૂરો વફાદાર નથી.” રા”ને પણ નાગાજણનો ઘોડો મેળવવાની ઈચ્છા હતી જ, એટલે તેણે એક દિવસ નાગાજણ પાસે એ ઘોડાની માગણી કરી અને માગે તે કિમ્મત આપવા કહ્યું. એટલે નાગાજણે કહ્યું કે “બાપુ! આપની પાસે તો મારા ઘોડા જેવા હજારો ઘોડા છે. અને આપ ધારો તો બીજેથી પણ એવા અનેક ભલા ઘેડા મેળવી શકો તેમ છે. અને મારે તો આ એકજ છે. તે મને તથા મારા આખા કુટુંબને, આઈમાને (આઈ નાગબાઈને) પણ બહુ વ્હાલો છે. એટલે મને માફ કરો” રા’એ કરીને પણ એકાદ વખત કહી જોવું. પણ નાગાજણ માન્યો નહિ. એટલે રા’ હૃદયથી તેના પર નારાજ થયો. ત્યારબાદ રા’ના પાસવાનો નાગાજણ પર વારંવાર દબાણ કરવા લાગ્યા. કે ‘નાગાજણ! ઘોડો તો તમારે રા’ને આપવો જ જોઈએ, તમેં રા’ના મુલકમાં રહો તેમની આપેલી જાગીરો ખાઓ અને ઘોડો ન આપો, એ કેમ ચાલે ? વિચાર કરી જોજો. રા’ને નારાજ કરવામાં સાર નહિ કાઢો.” પણ નાગાજશે ન માન્યું. તે ચારણ હતો. ચારણઘટની ખુમારી તેના લેહીમાં હતી: સ્વતંત્ર પ્રકૃતિનો હતો. યુવાન હતો. રા’ તરફથી ઘોડો લેવા માટે દબાણ આગળ ઝુકવાનું તેના સ્વભાવમાં ન હતું. એ દબાણે તેના મન પર ઉલ્ટી અસર કરી. અને ગમે તે પરિણામ આવે તો પણ ઘોડો ન જ આપવો, એ વિચારની પકડ વધારે મજબૂત બની. પણ દબાણ કરનારી રાજ્ય સત્તા તેનો અમલ કરે તો હું શું કરવું ? એ વિચાર પણ તેને મૂંઝવતો હતો. દરમીઆન રા’નો એક જાગીરદાર સરદાર વીકો સરવૈયો હતો, તેણે રા’ના સંબંધી સાંગણ વાઢેરને મારી નાખ્યો. એટલે રા’એ તેના પર નારાજ થઈ તેની જાગીર ખાલસા કરી, એટલે વીકો રા’ સામે બહારવટું ખેડવા લાગ્યો. વીકો સરવૈયો આમ તો સદ્ગુણી અને લાયક વીર પુરૂષ હતો એટલે વીરતાના પૂજક ચારણોને તેના તરફ ઘણો સદ્ભાવ હતો, સહાનુભૂતિ હતી. નાગાજણ તથા તેના કુટુંબવાળાઓને, પણ વીકા તરફ માનની લાગણી હતી. એક વખત નાગાજણ સાંજને ટાણે જુનાગઢથી દાત્રાણા જઈ રહ્યો હતો. ત્યારે વચમાં કૃતના પેટાળમાં વીકો સરવૈયો સામો મળ્યો. ‘રામ-રામ જય માતાજી’ કર્યાં. વીકાએ નાગાજણના જાતવાન અને પાણીદાર ઘોડાનાં વખાણ કર્યા અને નાગાજણના મનમાં મોજ આવી. અને તે બોલ્યો કે “વીકા સરવૈયા ! તમને ઘોડો ગમ્યો છે તો હવે એ તમારો” વીકાએ તે લેવાની ના પાડી પણ નાગાજણે કહ્યું કે ‘મારો સંકલ્પ ફરે નહિ. મેં આપ્યો એટલે આપ્યો.” એમ કહી પરાણે ઘોડી વીકાને આપ્યો. આ વાતની રા’ને જાણુ થતાં તે અત્યંત રાષે ભરેાયો. અધૂરામાં પૂરૂં તેના પાસવાનોએ તેને ખૂબ ઉશ્કેર્યો, એટલે તેણે નાગાજણ પર અને સર્વે ચારણો પર દાબ બતાવવા અને ધાક બેસાડવા માટે ૨૦૦ ઘોડેસ્વારો સાથે દાત્રાણા પર ચડાઈ કરી, પોતે જાતે ચઢી આવ્યો.

રા’ ઘોડા લઈને ચઢી આવે છે, એવા ખબર મળતાં ખૂટકરણ વગેરેએ આઈ નાગબાઈની સલાહ લઈને રા’નું સુંદર સ્વાગત કરવાનું નક્કી કર્યું”. વાજતે ગાજતે સામૈયું લઈ સામા ગયા. પણ રા’એ ચારણોનું સ્વાગત સ્વીકારવાની ના પાડી દીધી અને રાજના બહારવટીઆને મદદ કરવાની – રાજદ્રોહ કરવાની સજ્જા રૂપે જુનાગઢની હદમાંથી નીકળી જવાનો હુકમ કર્યો. ૯૦ વર્ષનાં આઈ નાગબાઈને આ ખબર મળતાં તેઓ પોતે પધાર્યાં, રા’ને મળ્યાં, ઘણો સમજાવ્યો. પણ હઠે ભરાએલો રા’ ન માન્યો. એટલે આઈએ કહ્યું કે ‘બાપ રા’! ચારણો તો તારા વડવાઓ પહેલાં આ ધરતી પર વસેલા છે. અને અમે તારા કહેવાથી નીકળશું પણ નહિ અને જે બળજબરી કરવા ગયો તો જે થોડા દિવસ પછી બનવાનું છે, તે આજ બનશે. તને ખબર નથી કે તારા માથે કેવું જોખમ ઝઝંખી રહ્યું’ છે. સાંભળી લે. તારૂં રાજ્ય રોળાઈ જવાનું છે. તું રખડતો થઈ જવાનો છે. એમ મને ભણકારા સંભળાય છે. એમ ન હોત તો ચારણોની માતાજીની મર્યાદા લેંપવાનું, ચારણોની આજીવિકા ઝૂટવી લેવાનું તને ન સૂઝત’”. આઈનાં એ વેણમાં તેને કાળ ચોઘઢીયાં વાગતાં સંભળાણાં. ચારણો પર ધાક બેસાડવાનું, એમને દાત્રાણામાંથી હાંકી કાઢવાનું નક્કી કરીને આવેલા રા’ને આઈ નાગબાઈ વિરાટની પ્રલય કરી મૂર્તિ સમાન લાગ્યા અને તે ભયભીત થઈને જુનાગઢ તરફ રવાના થઈ ગયો.

આઈ ઘણા નારાજ થયાં. તેમનું અંત:કરણ કળકળી ઊઠયું. રા’ ચારણોના ઘર પર ઘોડાં લઈને આવે અને દાત્રાણા છોઢી જવાનો હુકમ કરે, એ વાત આઈઓની, ચારણોની સંસ્કૃતિમાં ઊછરેલાં, અને જીવેલાં આઈ માટે અસહ્ય હતી. જ્યાં સ્વમાન ન જળવાય ત્યાં ન રહેવાનો પોતે નિર્ણય કર્યો અને પોતાના કુટુંબીજનો સાથે મોણીયે આવ્યાં, ત્યાં કેટલોક સમય આત્મમંથન કર્યા બાદ તેમણે નિર્ણય કર્યો કે ‘જીવનની સંધ્યા ચારણોના મૂળ નિવાસસ્થાન હિમાલયની છાયામાં, હરદ્વાર તીર્થમાં ગંગા કિનારે વીતાવવી અને ત્યાં રહીને જગદંબાની સાથે એકાત્મતા સાધવી, આત્મ ચિંતન કરી માનવ જીવનનું સાર્થક કરવું.’ સૌ કુટુંબીજનોને એ નિર્ણય જણાવતાં તેમણે ઘરે રહી, ઉપાસના, ધ્યાન-ભક્તિ કરતા રહેવા માટે ખૂબ આજીજી કરી. પણ દેશકાળની ગતિને પારખી ગએલાં આઈ શકાયાં નહિ અને હિમાલય તરફ પ્રયાણ કર્યું. તેમનાં ભક્ત એક હરિજન દંપતી વેલડું જોટીને તેમની સાથે હરદ્વાર ગએલાં અને તેમણે સૌએ ગંગાકિનારે ઈષ્ટ સ્મરણ કરતાં કરતાં કાળ ક્રમે શરીર છોડયાં, આ હકીકતની શ્રાક્ષી પૂરતી એ હરિજનની ખાંભી આજે પણ મોણિયામાં આઈ નાગબાઈના મંદિરની અંદરજ છે. અને આઈ નાગબાઈની પૂજા સાથે એ ખાંભીની પૂજા કરવામાં આવે છે. આરતી ઉતારાય છે.

રાએ ચારણો પર દબાવ પાડવાથી, પૂજનીય ચારણ જાતિની તથા જગદંબા સ્વરૂપ આઈ નાગબાઇની મર્યાદાનું ઉલ્લંધન કરવાથી પ્રજાસમુહમાં મોટો ખળભળાટ મચી ગયો. તદુપરાંત પાસવાનોની ચડામણીથી રાએ ભક્તવર નરસિંહ મહેતાની આકરી કસોટી કરી, તેમને દૂભવ્યા, મુશકેલીમાં મૂકવા તેથી પણ પ્રજા સમૂહમાં રા’ તરફ ઘણો કચવાટ ફેલાયો. એજ અરસામાં સન ૧૪૭૨-૩૩માં ગુજરાતના સુલતાન મહમદ બેગડાએ જુનાગઢ પર ત્રીજીવાર આક્રમણ કર્યું”. રા’ માંડલિકને હરાવીને જુનાગાનું રાજ્ય ખાલસા કર્યું અને રા માંડલિક બહુ અપમાનિત થઈને કફોડી દશામાં મૃત્યુ પામ્યો.

આઈ નાગબાઈએ સમસ્ત જનતાને સવિશેષ ચારણોને અધ્યાત્મને રસ્તે આગળ લઈ જવા માટે જીવન ભર પ્રયત્ન કરેલો. એમનું જીવન પરોપકારમય હતું. એમને ઘરે જે સંપત્તિ હતી તેનો ઉપયોગ સૌના કલ્યાણ માટે તેઓ સદા કરતાં રહેતાં. રાજા મહારાજાઓ અને સર્વે પ્રજાવગ” તેમને સાક્ષાત્ જગદ’બા સ્વરૂપ માનતા અને આઈ પોતે પણ ધર્મમાં, આચારમાં દૃઢ રહી જગદંબાના ધ્યાન પૂજનની સાથે સાથે કર્મયોગીની જેમ સૌનું હિત સાધતાં રહેતાં. એમની ઉદારતા, આતિથ્ય પ્રેમ, પરોપકારમી પ્રવૃત્તિઓ અને ધર્મોત્સવોની જનસમાજના માનસ પર ઊંડી છાપ પડેલી. પ્રચલિત રીતે માતવામાં આવે છે. તેમ એમણે રા’ને શાપ આપ્યાની વાત બરાબર નથી, સાચી નથી એમણે તો કાળનાં ચોઘડિયાનો શું અવાજ છે તેજ રા’ને કહેલું. આઈ નાગબાઈ તથા રા’ માંડલિક અંગેની સત્ય હકીકત ઉપર પ્રમાણે છે. પણ લોકોને લાગ્યું કે આઈ જેવાં જગદંબાને કચવાવવાથીજ રા’નું રાજ્ય ગયું અને એ લાગણીનો પડવો જનમાનસના બધા સ્તરો પર પડયો અને પરિણામે કેટલાક રાવણ હથ્થાવાળા જેવા ફરતા ચરતા ગાયકોએ સાચા ઇતિહાસને મારી મચઢીને દોહાઓ રચ્યા; જેમાં આઈ નાગબાઈનાં પુત્ર વધુ આઈ મીણબાઈ તરફ રા’એ કુદષ્ટિ કર્યોની અને આઈ નાગબાઈએ રાને શાપ આપ્યાની ખોટી વાર્તા ગૂંથવામાં આવી છે. તે એતિહાસિક સત્યથી વેગળી તદ્દન જુઠ્ઠી છે. આઈ નાગબાઈ એવા કોઈ દોહા કે એવાં કોઈ વાકયો બોલેલાં નહિ અને રા’માંડલિકે આઈ મીણબાઈ પર કુદષ્ટિ કર્યાની વાત પણ તદ્દન બનાવટી છે. એ દોહાઓમાં ચારણની કવિતાનું કાવ્ય તત્વ ક્યાંય દેખાતું નથી, એમાં ક્યાંય આઈ નાગબાઈના જાજવલ્યમાન વ્યક્તિત્વની ઝાંબી થતી નથી. એમની પ્રતિભાની ક્યાંય ઝલક નથી. અને રા’ની ઉમર એ વખતે ૧૦ ઊપર હતી અને તે વિષય લંપટ પણ હતો નહિ.

(આઇ નાગબાઇના પતિ રવિસુર ગોરવીઆળા આઈ મોગલની ૭મી પેઢીએ અને આઈ ગૌરવીની ૬ઠી પેઢીએ સીધા વંશજ હતા. રવિસુર, તેમના પિતા જશો, જશાના પિતા મેપો, મેપાના પિતા વેદો, (આઈ શેણ- બાઈના પિતા વેદો), વેદાના પિતા ભાણસુર, ભાણસુરના પિતા સોડચંદ્ર અને ભાણસુરના માતા આઈ ગૌરવી અને સોડચંદ્રનાં મા તે આઈ મોંગલ)

આઈ નાગબાઇના કેટલાક પરચાઓની-ચમત્કારોની વાતો તેમના વંશજો રાવળદેવો વગેરે પાસેથી જાણવા મળે છે. જે નીચે મુજબ
(૧) કોઈ કૃતુબુદ્દિન ગોરી (કુતબો) બહુ અનીતિનાં કામો કરતો અને ગામનું ખાડુ વાળી ગએલો. તે તેના ઘરમાં, પલંગ પર સુતેલો હતો. તેને નીચે પછાડ્યો અને તેના નાકમાં નાકર અને પગમાં બેઢીઓ નાખીને બાંધેલો પૂરેલો અને તેના ૭૦૦ સૈનિકોને પાષાણ્વત બનાવી દીધેલા
(૨) હીરા – અને પરવાળ નામની ઘોડાંઓની ઉત્તમ દૈવી જાતો નો ઉછેર કરાવ્યો
(૩) પોતાના ભક્તોના ડૂબતાં ૧૨ વહાણોને બચાવી લીધેલાં
(૪) સાંગડ વાઢરને અવિચળ ટીલું આપ્યું
(૫) કાંધલ ચાવડાને ચમકપાણ કીધું (૬) ચારે ધામની યાત્રા કરી આવીને હેમની જાત્રવાણી સોનાનાં વાસણની લહાણી કરેલી.

.

माँ नागबाई से सम्बंधित रचनाओं अथवा आलेख पढ़ने के लिए नीचे शीर्षक पर क्लिक करें-

.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Recent Posts

Categories

Categories

error: Content is protected !!
चारण शक्ति