पूरा नाम | माँ जेतबाई |
---|---|
माता पिता का नाम | પિતાનું નામ લાખાજી મહેડૂ. આઇનાં માતાનું નામ જાણવા મળ્યું નથી |
जन्म व जन्म स्थान | આઇ જેતબાઇ માનો જન્મ સં. ૧૫૧૫ માં ખેડા જિલ્લાના વાલવોડ ગામમાં થએલો |
स्वधामगमन | |
विविध | |
આઇ જેતબાઇનું મોસાળ એજ ગામ વાલવોડના મહિયા શાખાના ચારણોમાં હતું. | |
जीवन परिचय | |
આઇ જેતબાઇ માનો જન્મ સં. ૧૫૧૫ માં ખેડા જિલ્લાના વાલવોડ ગામમાં થએલો . એમના પિતાનું નામ લાખાજી મહેડૂ. આઇ જેતબાઇનું મોસાળ એજ ગામ વાલવોડના મહિયા શાખાના ચારણોમાં હતું. આઇનાં માતાનું નામ જાણવા મળ્યું નથી, પરંતુ પરાપૂર્વથી આઇ જેતબાઇનાં માતુશ્રીને શક્તિમાના નામથી ઓળખવામાં આવે છે. આઇના પિતા લાખા ગઢવીને ત્યાં ગાયો ભેંસો માલ ઢોર ખૂબ પ્રમાણમાં હતાં. મહીકાંઠાની બહુ સારી કહેવાય તેવી જમીન હતી, ખુબ સુખી હતા. બોરસદ તાલુકાના ઝારોળા ગામે વીર પુરૂષના એક પાળિયા પર આઇ જેતબાઇના નામની સાથે સં . ૧૫૧૫ લખાએલા છે. એટલે માની શકાય કે તેઓનો જન્મ સં. ૧૫૧૫ લગભગ કદાચ તેથી પહેલાં થયો હોય. વળી ચારણ પરંપરા માને છે કે આઇ જેતબાઇ ચારણ મહાત્મા ભક્ત કવિ શ્રીઇસરદાસજીનાં સમકાલીન હતાં. ઇસરદાસજીનો જન્મ રાં. ૧૫૧૫ માં થએલો. આઇ જેતબાઇ અત્યંત સ્વરૂપવાન હતાં. સાથે સાથે ખૂબ અટંકી પ્રકૃતિવાળાં, ચારણવટવાળાં હતાં, વાલવોડમાં એ વખતે મહેડુ, મહિયા, દેથા, શામળ, સિંહઢાયચી વગેરે અનેક શાખાના ચારણોનાં કુલ મળીને ૧૦૦ લગભગ ઘર હતાં. મોટો ગઢવાડો હતો. પરંપરાથી વાલવોડમાં વિધાના સંસ્કાર જળવાતા, તેમજ જંગતબાની પૂજા – ભક્તિની સરવાણી પણ ચાલુ રહેતી. કવિઓ, વિદ્વાનો, માતાજીના ભક્તોની પરંપરા જળવાતી આવતી. ચૈત્ર અને આસો માસનાં નવરાત્રિઓમાં ચારણવાસમાં સામૂહિક રીતે માતાજીના ઉત્સવો ઉજવાતા હોમ હવન થતા. એ ધાર્મિક ઉત્સવોનો લાભ ચારણેત્તર, લોકો પણ લેતા. સાથ સહકાર આપતા ગઢવાડાની માનભરી અમિતા – પ્રતિષ્ઠા જામેલી હતી. ચારણોની કુળ પરંપરાના એ ઉચ્ચ સંસ્કારમાં લાલન – પાલન પામીને આઇ જેતબાઇનો ઉછેર થએલો. કિશોર વય થતાં જ તેમનામાં ઉપાસના સંયમ, ધર્મનિષ્ઠા ખીલવા લાગ્યાં અને ઉમ્મર લાયક થતાં તો એ ગુણો વિશેષ દ્રઢ થયા, જન્મથી જ પોતે દિવ્ય પ્રતિભાવાળાં અને મનસ્વી – સ્વતંત્ર પ્રકૃતિવાળાં હતાં જ, ઉપરાંત મધુરવાણી, વિનયભર્યો વર્તાવ, ભરપૂર આત્મશ્રદ્ધા અને ચારણત્વની ચમક વગેરેને કારણે સૌથી અલગ તરી આવતાં. માતા પિતા – કુળ કુટુંબવાળા, ગઢવાડામાં તથા ગામમાં પણ સૌ તેમના દિવ્ય સગુણોથી પ્રભાવિત થઇ તેમને જગદંબા સમાન માન આપતાં, આઇનો અવતાર માનતાં. સં. ૧૫૩૧ – ૩૨ લગભગની આ વાત છે. આઇ જેતબાઇની ઉંમર એ વખતે ૧૬ – ૧૭ વર્ષની રૂપ સોંદર્ય તો જન્મજાત હતું જ, ઉપરાંત જુવાન વયમાં પ્રવેશ થતાં જ એ રૂપ સૌંદર્ય અધિક ખીલી ઉઠયું. એ વખતે વાલવોડમાં સોલંકીઓની પેટાશાખા મહિડા શાખના માનસિંહ મહિડા નામના ઠાકોરનું રાજ્ય એ માન મહિડો મૂળ ગાજણા ગામનો હતો. એ બહાદુર વીર પુરુષ હતો, એટલે એણે ક્રમે ક્રમે જમાવટ કરીને બીજાઓનાં ઘણા ગામો જીતી લઇને વાલવોડમાં પોતાની ગાદી સ્થાપી અને રાજ્યના સીમાડા સારી રીતે વધાર્યા. ૮૪ ગામોનો ઠાકોર બનેલો. એનાં બહેન પીલોદરા ગામના રાઠોડ રાજપૂતોમાં પરણાવેલાં. તેનો એકનો એક પુત્ર નામે કલ્યાણમલ પોતાના મામા માન મહિડાને ત્યાંજ મોસાળમાંજ ઘણો ખરો રહેતો. લાડકોડમાં ઉછરેલો. હલકી કોટિના પાસવાનોની સોબતમાં મોટો થયેલો. એટલે જુવાનીને જાળવી શકે તેવા સંસ્કાર પામેલો નહિ વીસેક વર્ષની વય, ફિકર ચિંતા વિનાનો અને બળવાન પ્રચંડ શરીર તેમાં દિવાની જુવાનીનો પ્રવેશ થયો. ખાવું, પીવું, રમવું, ભમવું ખેલવું, એના જીવનના એ આનંદોમાં જુવાન વયે થતા વિજાતીય આકર્ષણનો પ્રવેશ થયો. હલકા પાસવાનોની સંગતથી એ આકર્ષણ વિષમય બની ગયું. સંત કવિ તુલસીદાસજીનો દોહો છે કે- ગ્રહ ગ્રહીત અરુ બાત બસ, તિહિ પુનિ બીછૂપાર, અવળા ગ્રહોથી જકડાયો હોય, ઉન્માદનો રોગ હોય, તેને વીંછી કરડ્યો હોય અને પાછો દારૂ પાયો હોય, કહો એનો ઉપચાર ઇલાજ શું હોઇ શકે? એવી રીતે પારાવાનોના પ્રતાપે એ અવળી રમતે ચડયો. મામાની માઢ – મેડીના ગોખમાં સવાર – સાંજ ઊભો રહીને નીચે માર્ગ પર પાણી ભરવા જતી આવતી પનિહારીઓના રૂપ સૌંદર્યનું પાન કરવું, એ એનો નિત્યક્રમ બની ગયો. એક દિવસ સવારના પહોરમાં એક હજુરિયા સાથે પોતાના એ કાર્યક્રમમાં એ મશગુલ હતો. ત્યાં એક રૂપ રૂપના અંબાર એવા દેદીપ્યમાન અને પ્રભાવશાળી યુવતી પાણી ભરવા જતાં એ માર્ગ પરથી નીકળ્યાં. એ આઇ જેતબાઇ હતાં. ગુલાબી પ્રભાવવાળો ગૌર વાન, પ્રફુલ્લ કમળ સમાન તેજસ્વી નેત્રો, વિશાળ ભવ્ય લલાટ, પાતળું અણિયાળું નાક, બીડેલા લાલ પાતળા હોઠ, ગોળ મુખાકૃતિ, લીલી પીળી ભાતવાળી ચારે છેડે ચોકવાળા ચૂંદડીથી લપેટેલું પાતળું શરીર, ગૌરવભરી ચાલ અને વિવિધ રંગોનાં ચિત્રોની કારીગરીથી શોભતી માટીની હેલ. આવું અનુપમ દિવ્ય રૂપે એ જુવાન કલ્યાણમલ્લની વિકારી આંખોએ જીવનમાં પ્રથમ વાર જ જોયું. એ ભીત ભૂલ્યો. અને ભાન પણ ભૂલ્યો. વિરફારિત નેત્રે અધર શ્વાસે મટકુ માર્યા વિના જોઇ જ રહ્યો. આઇ દેખાતાં બંધ થયાં ત્યારે એ ભાનમાં આવ્યો. એણે હજુરિયાને પૂછયું “ એલા એ ! એ રૂપાળી કોણ હતી? ” હજુરિયાએ ઉત્તર આપ્યો કે “ ભાણુભા ! એ અહિંના લાખા ગઢવીની પુત્રી જેતબાઇ છે. પણ બાપુ ! રખે ભૂલ કરતા એ ચારણ છે અને બહુ આકરી આગ જેવી છે. છેડ કર્યા જેવું ઠેકાણું નથી. ” કલ્યાણમય બોલ્યો “ અરે ! એ આકરી પણ ભાયડા સામુ જોયા પછી જોજે તો ખરો કે કેવી ઢીલી ઢફ થઇ જાય છે. એને પાછી તો વળવા દે. ’ હજૂરિયે પૂછયું “ બાપુ ! શું કરશો ? ‘ ‘ કલ્યાણમલ બોલ્યો “ તું જોજે કે હું શું કરું છું. ‘ એમ બોલીને તેણે ખીંતીએ ટીંગાતી ગલોલ હાથમાં લીધી અને પાસે જ ટીંગાતી થેલીમાંથી એક નાની કાંકરી પસંદ કરી. થોડીવારમાં આઇ જેતબાઇ પાણી ભરી પાછાં વળ્યાં. એટલે એ કલ્યાણમલે ગલોલમાં કાંકરી ચડાવીને નિશાન લઇ ખેંચીને પાણીના ઘડા પર મારી. કાંકરી લાગતાંજ અવાજ થયો. આઇએ તે સાંભળ્યો અને કાંકરી લાગવાથી ઘડામાં પડેલ છીંડામાંથી પાણી વહેવા લાગ્યું. ઓઢણી ભીંજાણી અને આઇએ ઊંચું જોયું. ત્યાં માઢ મેડીના ગોખમાં લુચ્ચે હાસ્ય કરતા અને આંખ ઊલાળતા કલ્યાણમલને જોયો. અનેક રૂપવતીઓનાં બેડાં પર એ કલ્યાણમલે કાંકરીઓ ફેકેલી અને તેમની સામે આંખ ઊલાળીને પોતાની નફટતા બતાવેલી. તેની વાતો આઇ જેતબાઈને કાને પહોંચેલી, તેથી આઇના આત્માને ઘણું દુ:ખ લાગેલું. એનો ઉત્પાત કેમ અટકાવવો, તેની પોતે ઘણા વખતથી વિચારણા કરી રહ્યાં હતાં. દરમીયાન આજે પોતાના બેડા પર જ એ કાંકરી – પ્રહાર થયો. પોતાની ચારણ પુત્રીની કોઇ આળ કરે, ઘડો ફોડી અપમાનિત કરે, વિકારી દ્રષ્ટિથી જુએ, નફટાઇ કરે, તે સ્વમાનશીલ, ચારણત્વના ગૌરવવાળાં, આઇઓની ઉજ્જવળ પરંપરાનાં ઉપાસક આઇ જેતબાઇની કલ્પનામાંય કોઇ દિવસ ઊગેલ નહિ. એમનું રોમ રોમ પ્રજવળી ઊઠયું. એમની આંખોમાં શાંતપ્રછન્ન – ગૂઢ રહેતી દિવ્ય વીજળી ચકાચૌંધ કરતી ચમકી ઊઠી, કલ્યાણમલની વિકારી આંખો પર ત્રાટકી, અંદર પ્રવેશી ગઇ. અને એની આંખોના દીવા ઓલવાઈ ગયા. | | દોહો | | ભયંકર ચીસ પાડી એ પાછો હટયો, પછડાયો, બેશુદ્ધ બની ગયો. આઇ જેતબાઈ ભીને કપડે ઘરે પધાર્યા. માતા પિતાના પૂછવાથી સર્વ હકીકત તેમને કહી. એ બનાવ જેમણે પ્રત્યક્ષ જોએલો તે રસ્તે જતા આવતા પ્રેક્ષકો દ્વારા એ વાત ગામમાં સર્વત્ર પ્રસરી ગઈ. માન મહિડાને ખબર પડતાં તે દોડી આવ્યો. ભાણેજની દશા તથા તેની આંખોમાં થતી ભયંકર પીડા જોઇને તેને આઈ જેતબાઇ તથા એમનાં માતાપિતા કુટુંબ તથા સર્વે ચારણો પર ક્રોધ આવ્યો. આઇના પિતા તથા બીજા સૈી ચારણોને બોલાવીને અટકમાં રાખ્યો અને કહ્યું કે, “ જેતબાઇ જો પોતાનું જાદુ પાછું સંકેલીને મારા ભાણેજને સાજો નહિ કરી આપે, તો તમને સૌને અટકમાં રાખવામાં આવશે અને તમારાં સૌનાં જમીન જોડ્યિાં જપ્ત કરવામાં આવશે. ‘ લાખા ગઢવીએ ઉત્તર આપ્યો કે ‘ આઇ જેતબાઈ પર તમારા ભાણેજે કુદ્રષ્ટિ કરવાનું આ પરિણામ છે. છતાં તેના માટે દંડ દેવો હોય તો મને સજા કરો. પણ બીજા ચારણોને શા માટે હેરાન કરો છો? પણ માન મહિડોય એના ભાણેજથી ઓછો અવિચારી ન હતો. એને પણ પોતાની ઠકરાતનો, શૂરવીરતાનો, સત્તાનો નશો ચડેલો હતો. એટલે તે માન્યો નહિ . એણે બધા ચારણોને રોકી રાખ્યા. એટલે ચારણોએ ધરણુ જાહેર કર્યું. અનશન આદર્યું. ઉપવાસ શરૂ કર્યા. આખા વાલવોડમાં ચારણોના ધરણાના સમાચાર પ્રસરતાં સર્વ લોકો ‘ ખળભળી ઊઠયા. અટકાયતના અને ધરણાના સમાચાર સાંભળીને આઇ જેતબાઇ પોતે માન મહિડાના દરબારમાં પધાર્યા અને માન મહિડાને કહ્યું કે, “ માન મહિડા ! ચારણોને શા માટે રોકી રાખ્યા છે? તારું ભલું ચાહતા હો તો એ બધાને હમણા જ છોડી મૂક. ” માન મહિડો બોલ્યો કે “ જેતબાઇ ! તારું જાદુ પાછુ વાળીને મારા ભાણેજની આંખો જલદી સાજી કરી દે, નહિ તો તમારા સૌ ચારણોનાં જમીન જોડિયાં જપ્ત થશે અને તારા બાપને તથા બીજા સૌ ચારણોને ફાંસીએ ચડાવીશ. એ ચોક્કસ સમજજે . ‘ ‘ માન મહિડાનો એ હુંકાર સાંભળીને આઇએ ઉગ્ર સ્વરૂપ ધારણ કર્યું અને બોલ્યા, “ માન મહિડા ! તારો ભાણેજ પ્રજાની અનેક બહેન દીકરીઓની છેડતી કરતો હતો. તેને તે વાર્યો નહિ. એટલે એનાં પાપોની એને સજા થઇ છે. અને હવે તું અમને ચારણોને સંતાપવા તૈયાર થયો છો. પણ સમજી લેજે કે એનાં પરિણામ પણ સારાં નહિ આવે. હજીએ જો તારું ભલું ચાહતો હો તો સૌ ચારણોને આ ઘડીએજ છોડી મૂક, નહિ તો તારે પણ કડવાં ફળ ચાખવાનો સમય આવશે એ તું પણ ચોક્કસ સમજજે. ‘ એ સાંભળીને માન મહિડો હસ્યો અને બોલ્યો, ‘ જેતબાઇ ! તું મને માનને ધમકી આપવા આવી છે. પણ હું માન તારી એવી ધમકીઓથી ડરી જાઉં એવો નબળો નથી. જા , તારાથી થાય તે કરી લેજે. ” એ સાંભળીને સૌના આશ્ચર્ય વચ્ચે આઇ જે બાદ એક પળવાર આંખો બંધ કરી ગયાં. ક્રોધને પી ગયાં. પછી આંખો ઉઘાડ ગંભીર સ્વરે બોલ્યાં કે, ‘ માન મહિડા ! તારા ભાગ્યમાંથી વાલવોડ જવાનું થયું છે. અને તારો કાળ પણ નજીક આવ્યો છે, એટલે આ છેલ્લું કહું છું કે હજીએ સમજી જા અને સૌ ચારણોને છોડી મેલ. ‘ એટલે માન મહિડો બોલ્યો કે ‘ ‘ મારા ભાણેજની આંખો જેમની તેમ સાજી બનાવી દે તો જ એ બધા છૂટશે, નહિ તો નહિ. ‘ એ સાંભળતાં જ આઇનું સ્વરૂપ ઝળહળી ઊઠયું. અને તેમના મુખમાંથી વાણી સરી પડી કે, ‘ માન મહિડા ! તને જેનો મદ છે તે તારૂં બળ, તારી સત્તા અને તેની સાથે તારું આયુષ્ય પણ જો છ મહિનામાં સઁકેલાઇ જાય તો હું આઇ જેતબાઇ બોલી છે, એમ સમજી લેજે અને જો ચારણોને છૂટા નહિ કર તો તો સમજજે કે આજથી ત્રીજે દિવસે જ તારું મોત છે. અને તારો વંશવેલો પણ વાલવોડમાં નહિ રહે, એ પણ સમજી લેજે. ‘ ‘ એમ કહીને આઇ જેતબાઇ ચાલી નીકળ્યાં – ઘરે પધાર્યા. ‘ આઇ જેતબાઇનું માન મહિડે ન માન્યું અને આઈએ તેને શાપ આપ્યો. ઉપરાંત ચારણોને અટકમાં રાખ્યા છે, તે બધા ઉપવાસ પર ઉતર્યા છે અને ત્રાગાં કરશે એ બધાનાં પરિણામ ભયંકર આવશે. ’ એ વાત માન મહિડાના રાણીવાસમાં તેનાં રાણી તથા કુટુંબીજનોમાં પ્રસિદ્ધ થતાં રાણી તથા કુટુંબીજનો અને માનના સલાહકારો, સરદારો તેને સમજાવવા લાગ્યાં. ત્યાં તો વાલવોડના સર્વ જ્ઞાતિના પંચો, મુખીઓ ભેળા થયા અને સેંકડો માણસો સાથે દરબારમાં આવ્યા અને માન મહિડાને સૌએ મળીને આગ્રહ કર્યો, સમજાવ્યો અને એ સૌની. સમજાવટ તથા પ્રજાજનોના દબાણથી માન મહિડે ચારણોને છૂટા કર્યા. આઇ જેતબાઇના શાપની હકીકત વાયુવેગે સર્વત્ર પ્રસરી ગઇ અને માન મહિડાએ જેમની ધરતી દબાવી લીધેલી, જેમનાં ગામ ગરાસ બળ જબરીથી લઇ લીધેલાં, તે ગરાસદારો, ઠાકરો આઈ જેતબાઇની પ્રેરણાથી ચારે તરફથી જાગી ઊઠયા. સંગઠન બાંધી, માન મહિડે દબાવેલી પોતાની ધરતી કબ્જે કરવા લાગ્યા. માન મહિડો એકની સામે ચડે ત્યાં અનેક ઠેકાણે ધમાલ ઊભી થવા માંડી ચારે બાજુથી ભીંસ વધી પડી. દરમ્યાન બીલોદરા ગામનો ખાતુ બારેયો જે આઇ જેતબાઇનો ભક્ત હતો અને જેની ધરતી માન મહિડાએ આંચકી લીધેલી, તેણે સૈન્યની ખૂબ જમાવટ કરી અને બીજા જાગીરદારો સાથે મેળ કરીને તે વાલોવડ પર ચડી આવ્યો. ગઢના દરવાજાનાં કમાડ તૂટતાં માન મહિડો પોતાનું સૈન્ય લઇને લડવા માટે ગામ બહાર આવ્યો. ભયંકર યુદ્ધ થયું. તેમાં માન મહિડો મરાયો અને ખાતું બારૈયાએ વાલવોડ કજે કર્યું. (એ ખાતુ બારૈયાના વંશજોમાંથી ઘણા હાલે પણ વાલોવડમાં છે.) માન મરાયા પછી આઇ જેતબાઇની આજ્ઞાથી ખાતુ બારૈયાએ માન મહિડાના કુટુંબને કેટલોક વખત જેમનું તેમ વાલવોડમાં રહેવા દીધું હતું. પરંતુ માનનાં રાણીએ આઇનો શાપ સાંભળેલો ત્યારથી પોતાનો વંશ નહિ રહેવાની તેમને ધાસ્તી લાગેલી. એટલે એક દિવસ આઇ જેતબાઇ માલઢોર હાંકીને પાણી પાવા લઇ જતાં હતાં ત્યારે આઇની કૃપા પોતાના ત્રણેક વર્ષના પુત્ર પર ઉતરે એ દ્રષ્ટિએ રાણીએ પોતાના પુત્રને રસ્તાની વચમાં અગાઉથી ઊભો રાખેલો. રસ્તાની વચમાં ઊભેલા રોતા બાળકને ભેંસો ગાયો મારી બેસશે, એમ લાગતાં આઇ પોતે દોડી આવ્યાં અને “ ખમ્મા, મારા દીકરાને ” એમ બોલીને તેને તેડી લીધો. તેના માથા પર હાથ ફેરવ્યો. આંસુ લૂછી છાનો રાખ્યો. ત્યાં માન મહિડાનાં રાણી આવ્યાં. છેડો પાથરી પગે લાગ્યા. રોવા લાગ્યાં અને બોલ્યાં કે “ મા ! મા ! મારા બાળની – અમારા વંશની રક્ષા કરો ‘ ‘ છૂટે મોઢે રોઇ પડયાં. આઇએ તેમના માથે હાથ રાખી છાનાં રાખ્યાં અને કહ્યું કે ડરો નહિ તમારો વંશ અહીં વાલાવડમાં તો નહિ રહે પણ ઉમેટામાં રહેશે. માટે તમે ઉમેટા જઇને રહો. ’ ’ અને આઇએ ખાતુ બારૈયાને બોલાવીને માન મહિડાના પુત્રને ઉમેટા અપાવ્યું. આઇ જેતબાઇનાં લગ્ન થયાં હતાં કે નહિ તે બાબતમાં બે જનકૃતિઓ છે. એક જનકૃતિ પ્રમાણે આઇએ આજીવન બ્રહ્મચર્ય પાળેલું અને તેઓએ આખું જીવન વાલાવડમાં વ્યતીત કરેલું. જ્યારે બીજો એવો મત છે કે આઇનાં લગ્ન સૌરાષ્ટ્રમાં પાલીતાણા તાબાના હાથસણી ગામના ચારણોમાં થયેલાં. આઇ જેતબાઇનાં અસંખ્ય કાવ્યો રચાયાં છે. ચારણ વિદ્વાન શ્રીપિંગલશી પરબતજી પાયક અને શ્રી રતુદાનજી રોહડિયા તથા ડો. સમરથદાનજી મહેડૂ જેવા વિવિધ વિદ્વાનો દ્વારા લખાયેલ વિષયોને આધારિત તૈયાર કરેલ પુસ્તક જગદંબા આઇ જેતબાઇ સંકલન – સંપાદન:- ચારણ પ્રવીણભા હરસુરભા મધુડા, રાજકોટ. |
.
माँ जेतबाई से सम्बंधित रचनाओं अथवा आलेख पढ़ने के लिए नीचे शीर्षक पर क्लिक करें-