चारण शक्ति

Welcome to चारण शक्ति

લાંગીદાસ મહેડુ : વ્યક્તિત્વ અને વામય – ડૉ. ગીતા એસ. ગઢવી

લાંગીદાસ મહેડુ : વ્યક્તિત્વ અને વામય – ડૉ. ગીતા એસ. ગઢવી

पूरा नामकविराज लांगीदास मेहडू
माता पिता नामपिता मांडण मेहडू ओर माता सोनबाई के तीन पुत्र थे उनमें से सबसे बड़े पुत्र लांगीदास मेहडू थे।
जन्म व जन्म स्थान 
देवलोक
 
विविध
 

 जीवन परिचय

लांगीदासजी मेहडू

સરસ્વતીની ઉપાસના – આરાધનાને જ પોતાના જીવનનું પ્રથમ અને પરમ કર્તવ્ય માનનાર ચારણોએ ભારતીય સંસ્કૃતિની અસ્મિતાના જતનાર્થે તથા સમાજમાં નીતિમત્તા, ત્યાગ, બલિદાન, શોર્ય અને ભક્તિ ઈત્યાદિ ગુણોમાં વૃદ્ધિ થાય એવા શુભાશયથી સાહિત્યનું સર્જન કર્યું છે. સમાજ ઘડતરના વિશિષ્ટ અભિગમથી ચારણી સાહિત્યના સર્જકોએ પોતાની વાણી અને વર્તનમાં સંપૂર્ણ સંવાદિતા પ્રસ્થાપિત કરી જીવનમાં મૂલ્યનિષ્ઠાને પ્રાધાન્ય આપ્યું છે. આથી આ સાહિત્યમાં જીવન કેવું છે તે નહીં પણ જીવન કેવું હોવું જોઈએ તેની વાત કરવામાં આવી છે. અર્થાતુ ચારણી સાહિત્ય “જીવન ખાતર કલા’ નું હિમાયતી છે.

આર્યાવર્તની ધર્મધ્વજાને ગૌરવાન્વિત રાખવા માટે ચારણોએ સરસ્વતી અને શક્તિની ઉપાસના કરી છે. નેક, ટેક, સત્ય અને નીતિ કાજે તેમણે મહામૂલાં બલિદાનો આપ્યાં છે . કવિતા એનો વ્યવહાર કે વ્યવસાય નહીં પણ સંસ્કાર હતો, સ્વભાવ હતો. કવિના એના મસ્તકમાંથી નહીં પણ ૨ક્તમાંથી ઉઠ્ઠળતી. શુરવીરો પ્રત્યેનો એનો આદર એ કાયરો પ્રત્યેની ધૃણા ઈતિહાસ સવિદિત છે. ચારણ માત્ર શુરવીરતાની પોકળ વાત કરનાર સાહિત્યકાર ન હતો, પરંતુ અવસર આવ્યે ખાંડાના ખેલ ખેલી લેવામાં પારોઠનાં પગલાં ન ભરનાર શૂરવીર સાહિત્યકાર હતો, ધર્મ, ધરા અને ઈજ્જત ખાતર બલિદાનના રાહ પર ચાલતી વખતે તે સૌનો અગ્રગામી બનતો, તેથી જ તેની વાણીમાં ખમીર, વીરના, જુસ્સો, શૌર્ય, મર્દાનગી, ટપકતાં. વસ્તુતઃ તો જેની વાણી અને વર્તનમાં વિરોધાભાસ ન હોય તેવા ચારણ કવિઓની એક સુદીર્ઘ પરંપરા છે, ઈસરદાસજી રોહડિયા, હરદાસજી મિસણ, સાંયાજી ઝૂલા, દુરસાજી આઢા, ગોદડ મહેડુ, હમીરજી રત્નૂ, કરણીદાન કવિયા, બ્રહ્માનંદજી, સ્વરૂપદાનજી દેથા, નરહરદાન બારહટ, બાંકિદાસ આશિયા, લાગીદાસ મહેડુ અને સૂર્યમલ્લજી મિસણ જેવા પ્રથમ પંક્તિના સર્જકોએ આ પંરપરાને સમૃદ્ધ કરી છે. જેમાંથી અહીં લાંગીદાસજી મેહડુંના જીવન અને કવનનો થોડો પરિચય આપવાનો પ્રયત્ન કરેલ છે.

લાંગીદાસના પૂર્વજો
લાંગીદાસ મહેડુ મધ્યકાલીન ચારણી સાહિત્યમાં દીર્ધકથામૂલક કૃતિઓના સર્જક તરીકે સૌથી અલગ તરી આવે છે. આ લાંગીદાસ મહેડુના પૂર્વજો ડુંગરશી મહેડુને થળાના તે સમયના રાજવી શતરસાલજી ઝાલાએ દેગામ (હાલના સુરેન્દ્રનગર જિલ્લાના દસાડા તાલુકામાં આવેલ ગામ) લાખ પસાવ સાથે બક્ષીસમાં આપેલું. ડુંગરથી મહેડુના વંશજોમાં લુણપાળ મહેડુ નામે પ્રસિદ્ધ ચારણકવિ થયા જેમણે ઢોલામારૂની પ્રસિધ્ધ પ્રેમકથા લખી, આ લુણપાળ મહેડુના વંશમાં જશવંત મહેડુ થયા, તેમણે અયાચક વ્રત રાખેલું, ગેડીના રાજવી વાઘેલા મેકરાણજીએ તેમનું અયાચક વ્રત તોડાવવા અનુચિત પ્રયાસો કરેલા અને તેથી તંગ આવી તેમણે ત્રાગુ કરી આત્મબલિદાન આપેલું. આ જશવંત મહેડુની સાતમી પેઢીએ માંડણ મહેડુ થયાં. માંડણ મહેડુ પણ કવિ હતા. માંડણ મહેડુને ત્યાં સોનબાઈથી થયેલ ત્રણ પુત્રોમાં લાગીદાસ સૌથી મોટા હતા.

લાંગીદાસનું બાળપણ અને શિક્ષણ
તેમનું બાળપણ દેગામમાં વીત્યું. સાહિત્ય શિક્ષણ અને ડિંગળ છંદશાસ્ત્રનું જ્ઞાન તેમને ચારણવિદ્વાનો પાસેથી મળ્યું હશે. દેગામમાં તે વખતે મહેડુ ઉપરાંત શામળ અને ઝુલા શાખના ચારણો રહેતા હતા. તેમની સાહિત્યસાધનાના સંસ્કાર બાલ્યાવસ્થામાં લાંગીદાસને સહજ રીતે જ મળ્યા હશે. તે વખતે સાહિત્યસાધનાની પરંપરા એટલી દેઢ હતી કે તેઓના પરિવારો જ પાઠશાળા બની રહેતા. આ ઉપરાંત ડિગળ સાહિત્ય અને પુરાણ કથાઓના પ્રક્રાંડ પંડિત લાલ ભટ્ટ પાસેથી પણ તેમણે શિક્ષણ મેળવેલું. લાંગીદાસે ‘એકાદશી માહાસ્ય’ ગ્રંથના મંગલાચરણમાં જ ગુરુ લાલ ભટ્ટનો ઉલ્લેખ કર્યો છે. તેમની પાસેથી તેમણે કાવ્યશાસ્ત્ર અને પુરાણોનો અભ્યાસ કર્યો.

લાંગીદાસની કૃતિઓનાં કેટલાંક આંતર – પ્રમાણો અને એમના વિશેની પ્રચલિત અનુશ્રુતિઓના આધારે એમને હળવદના ઝાલા રાજવંશની ત્રણ પેઢીનો રાજ્યાશ્રય પ્રાપ્ત થયેલો, એ જ ઝાલા રાજવંશ તરફથી લાખ પસાવ સાથે ગોલાસણ ગામ ગરાસમાં મળેલું. દસાડાના દરબાર રૂસ્તમખાનજી તરફથી પણ કેટલોક ગરાસ પ્રાપ્ત થયેલો. સાણંદ રાજ્યે એનાં કેટલાંક ગામોમાં એક એક ખેતર બક્ષીસમાં આપેલું. જોધપુર નરેશ અભેસિંહના શેરબુલંદખાન સુબા સાથેના યુદ્ધમાં મળેલ વિજયને બિરદાવતાં કાવ્યોને કારણે સોનાનો સવા મણનો હાથી, ચોટીબંધ સોનાની એક છડી અને એક કટિમેખલાના ઈનામનું સન્માન પ્રાપ્ત થયેલું. પોતાના ભાઈ મેઘા મહેડુને દેગામની તમામ જાગીર આપીને મેઘા માટે ચિંતિત માતા – પિતાની ચિંતા દૂર કરેલી, ધ્રાંગધ્રા નરેશ તરફથી મળેલ લાખ પસાવ લઈને દેગામ આવતા પાદરમાં ભરવાડો વચ્ચે પોતાના વિશે થતી વાતચીતમાં અપમાનનો રણકો પામતાં સદા માટે કુટુંબ સાથે દેગામ ત્યજી દીધેલું. બજાણાના જત દરબારના કુંવરે કરેલો પક્ષીનો શિકાર જોઈને એના એવા સંસ્કારો પોતાના સંતાનો પર ન પડે એ માટે દરબાર તરફથી મળેલ ગરાસ અને મકાન ત્યજી દીધેલાં. ગોલાસણ ગામ મળ્યા પૂર્વે મળેલું દુદાપર ગામ પણ નજીકના જત પીપળીના લોકોના ચોરી – શઇકારના સંસ્કારો સંતાનો પર પડે એ ભયે ત્યજી દીધેલું વગેરે વિગતો જોવા મળે છે. એ સંદર્ભે એક દુહો પણ મળે છે. કે-

પાસ જિયાં રે પીપળી, સખ થોડો બહુ દુખ,
(તું) આલણ હારો એક હે, (ત્યાં) લેઅણહારા લખ.

લાંગીદાસની સાહિત્યસાધના અને કવનકાળ
લાગીદાસની રચનાઓમાં ‘એકાદશી માહાભ્ય’, ‘ઓખાહરણ’, ‘ગણ બાબીરો’, ‘રાજસગણ’ અને ‘સતસ્મરણ’ એ પાંચ રચનાઓ ઉપલબ્ધ બને છે. આ સિવાય પણ એમનું સર્જન મળી આવવા સંભવ છે. એણની ઉપલબ્ધ પાંચ રચનાઓ પૈકીની જે રચનાઓમાં લાંગીદાસે રચ્યા સાલ આપલે છે અને જે રચનાઓ અમુક ચોક્કસ સમયગાળા દરમિયાન રચાઈ હોવાના કૃતિમાંથી પ્રમાણો પ્રાપ્ત થાય છે. તેને આધારે રતુદાન રોહડિયા અને અંબાદાન રોહડિયા લાંગીદાસનો કવનકાળ વિ.સ. ૧૭૭૦ થી વિ.સ. ૧૮૨૮ સુધીનાં ૫૮ વર્ષનો દર્શાવે છે. આમ છતાંય એમની બધી જ રચનાઓ જ્યાં સુધી ઉપલબ્ધ ન બને અને એમાં એમના સમય નિર્ધારણ અંગેનો કોઈ ચોક્કસ આધાર પ્રાપ્ત ન થાય ત્યાં સુધી ઉપલબ્ધ ન બને ત્યાં સુધી લાગીદાસના કવનકાળ કે આયુકાળ વિશે કશું ઠોસપૂર્વક કહી ન શકાય અને એમ ન થાય ત્યાં સુધી ઉપર કહેલો એમનો કવનકાળ આધાર વડે પ્રમાણિત થયેલો હોઈ હાલ પૂરતો સ્વીકારવામાં નથી.

લાંગીદાસ ની ઉપલબ્ધ રચનાઓ ને જોઈએ-

એકાદશી માહાસ્ય :
લાંગીદાસની ઉપલબ્ધ રચનાઓમાં આ સૌથી દીર્ઘરચના છે, જે ૩૫૦ છંદો (કડી) માં છે. આજપર્યત અપ્રકાશિત રહેલી આ કૃતિની હસ્તપ્રત સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં ઉપલબ્ધ છે. મધ્યકાલીન સમાજમાં પ્રચલિત `એકાદશી માહાત્મ્ય અને મૂર દાનવ વધ’ ની પૌરાણિક કથાને કવિએ ડિંગળ ભાષામાં કલાત્મક રીતે આલેખી છે. કવિએ કૃતિમાં વીરરસ અને શાંતરસનું સુપેરે નિરુપણ કર્યું છે. કૃતિના અંતે કવિએ કૃતિની રચના સાલ આપી છે, જે એમનો કવનકાળ નિધારિત કરવામાં ઉપકારક બને છે. લાંગીદાસની ઉપલબ્ધ રચનાઓમાં સૌથી મોટી ૨ચના છે અને એનો વિસ્તાર ૩૫૦ છંદોનો છે. લહિયાઓએ અને ‘ગણ અગ્યારસ મહિમા’, ‘ગણ એકદેશી માતમ’ અથવા ‘ગણ અગ્યારસ માતમ’ એ રીતે અનેક પ્રતોમાં આવી રાખ્યું છે. નારી સમાજ પ્રકૃતિએ પ્રથમથી જ ધર્મપરાયણ રહ્યો છે. આ કૃતિની અનેક હસ્તપ્રતો એ બતાવે છે કે એ સમયના ગુજરાતના નારી સમાજમાં આ કૃતિ આદરપૂર્વક અને હોંશે હોંશે વંચાતી – સંભળાતી રહી હશે. આ કૃતિમાં એકાદશી વ્રતનું માહાત્મ્ય અને એની ઉત્પત્તિ વિશેના પુરાણોકથિત કથાનક પરથી મૂર દાનવના વધની કથાને જોડી દઈને એકાદશીના વ્રતનું માહાસ્ય રજૂ થયું છે. મૂર દાનવની કથાને ડિંગળી ભાષામાં વીર અને શાંતરસની છાંટ સાથે કવિએ સુપેરે રજૂ કરી છે. મૂર દાનવના પિતા તાડજંગ દૈત્ય. એમની નગરી ચંપાવતી, ચંપાવતીનાં અનોખા શોમાં – સૌંદર્ય અને વૈભવને કવિએ આવી રીતે શબ્દાંકિત કરી છે.

“પરીજેણ ચંપાવતિ રેણપતિ, ચક્ર ચાલવિ તેણથી ચક્રવતિ,
બજારી બજારી બણે ગાખ બારી, ક્રિયા મોલ કારીગરે કેલકારી’

(ચક્રવર્તી રાજાએ ચંપાવતી નગરીમાં આણ વર્તાવી હતી. એ નગરીમાં બજારે બજારે અટારીઓ અને બારીઓ શોભી રહી છે અને કારીગરોએ કેળવેલ ચુના વડે બંધાયેલ મહાલયો શોભી રહ્યાં છે.) ચંપાવતી નગરીના દૈત્ય રાજા તાડજંગ પાસે અપાર સમૃદ્ધિ છે. એ તાડજંગ પાસે અપાર સમૃદ્ધિ છે. એ તાડજંગને ત્યાં મરુર નામે પુત્ર થયો. મરુરે ઘોર તપ કર્યું. એકાસને રતપ કરતાં મરુરના સાથળો સોંસરવા વાંસ ઊગી નીકળ્યા તેમજ જટા અને મૂછોનાં જાળાં જામ્યાં, જેમાં સુધરીઓએ માળા બાંધ્યા. શિવે પ્રસન્ન થઈને વરદાન માગવા કહ્યું, ત્યારે કવિએ શિવજીના સ્વાભાને પોતાની ચિત્રાત્મક વર્ણન કલાથી તાદેશ કર્યો છે. જુઓ :-
ચંપાવતીની શોભાથી મોહિત થઈને જગત માત્રની સુંદરીઓ ત્યાં આવીને નગરીની શોભા બની વસી રહી છે.

“મહા સોનમિ નગર જગ મોહિ,
સહી સુંદર મંદર તેજ સૌહિ.”

અપ્સરાઓ જેવી સુંદર સ્ત્રીઓ આ નગરમાં સોના ઈંઢોણી અને સોના બેડલે પાણી ભરે છે. તે વિમાનની અનેક પતાકાઓ જેવું સુંદર લાગે છે.

‘રહી સરથંભ જેસી દુર રંભ,
કનકમ ચંમકી આ સીસ કંભ,
અસી હેમ ઉડુણીએ નીર આણિ,
વક હેક અનેક કેતુ વાણિ.’

આ નગરીમાં રાજા તાડજંગ, જેને જગત પગે પડે છે તે શોભતો હતો.

‘વડો રાઉ સોહિ જગ પાવ વંદિ.’

તીડજંગને મુરુ (મરુર) નામે પુત્ર પણ થયો. મૂરે આકરું તપ કરીને શિવને પ્રસન્ન કર્યા. મૂરના તપને કવિએ નખશિખ ચિત્રાત્મક બાનીમાં રજૂ કર્યું છે:

અળા ઉપરા ચોસરા વાંસ ઊગા, પરા સાથળા સોંસરા પાર પુગા,
જડા મુછડા દાઢીઓ હોએ જાળા, મળે સુધરે ધાતિઆ તેથ માળા.

(એના આસન નીચેની પૃથ્વીમાંથી ચોસરા વાંસ ફૂટી નીકળ્યા. એ વાંસો તપસ્વીની સાથળો ને આરપાર વીંધી ગયા. જટા, દાઢી અને મૂછોનાં જાળાં જામ્યાં, એ જાળામાં સુઘરીઓએ માળા રચ્યા.)

શિવ પાસેથી તે તલવારના બળે શત્રુઓને મહાત કરવાનું અને ધરતી – આકાશને પણ સ્થાપી – ઉથાપી. શકવાનું વરદાન પામે છે. એના બળે એ દેવોને હરાવે છે. દેવો ઈદ્ર પાસે જાય છે. ઇન્દ્ર અને મૂર વચ્ચે ભયાનક યુદ્ધ થાય છે. યુદ્ધનું વર્ણન એ ચારણક્વિની વિશિષ્ટતા રહી છે. યુદ્ધના આબેહૂબ, નખશિખ, લાઘવયુક્ત અને કલાત્મક વર્ણનો ચારણ – કવિઓ જેવા અન્ય કવિઓ ભાગ્યે જ આપી શકે છે. મૂર સાથેના આ યુદ્ધમાં પરાજિત થયેલા નારાયણ બદ્રિકાશ્રમની ગુફામાં જઈ પોઢે છે. ત્યાં હરિની અગિયાર ઈન્દ્રિયોમાંથી રૂ૫ રૂપનાં અંબાર સમી સ્વરૂપવાન અને લોભામણી નારી પ્રગટ થાય છે. લાંગીદાસે તેનું કાવ્યાત્મક સરસ વર્ણન કર્યું છે જે લાંગીદાસની કવિકલમને ઉજમાળે છે, પણ સાથે સાથે ચારણી સાહિત્યમાં રૂપ માધુરીના વર્ણનની તાકાત પડી છે તેનોય અછડતો પરિચય આપે છે.

‘નરમળ જામોઅ જામ નખત્ર,
પરમળ પીઠી સકોમળ પત્ર;
વખાંણીઅ તાંણીઅ નાગંદ વેણ,
સ રાખડ આણીએ તેણ સરેણ.”

(એ સ્વચ્છ આકાશમાં નક્ષત્ર સમાન તેજસ્વી હતી. મહેંકતી કાયાવાળી એ નારીની પીઠ કદલી પત્ર (પાન) સમાન હતી. નાગ સમાન એની વેણી વખાણવાલાયક હતી. એણે પોતાના મસ્તક પર રાખડી ધારણ કરી હતી.)

આવી નારીના સૌંદર્યથી લુબ્ધ બની મૂર ચિત્રવત બની ગયોઃ-

જવંનહ નારી અને જિમ જોઇ,
હલિ નહ ચાલિહે જમ હોઇ;
ન પૂછી ગાછિ ગામ સ નામ,
ચીતારી જાણ કિ ચિત્ર ચિત્રામ.”

એ દૈત્યે જ્યારે એને જોઈ ત્યારે તે ચિત્રાંકિત ચિત્ર જેવો સ્થિર બની ગયો. એ સુંદરીનું નામ, ગામ કે સ્થળ પણ ન પૂછી શક્યો. આમ, આવો અદ્ભુત પ્રસંગ ત્યાં બન્યો.

‘રુદ્ધ આંક ધતુર ચિ કૂલ રીઝિ, રુદ્ર તપ એહો કિઓ કુ ન રિજિ’.
જડાધાર દીધા તણી વાત જાણિ, જ્વંન પછી પિડસિ સોન જાણિ.

વિશ્વવિજેતા ધરતી અને આકાશને સ્થાપવા – ઉથાપવાનું શિવ પાસેથી વરદાન મેળવીને મરુરે સર્વત્ર ત્રાસ વર્તાવ્યો. દેવો ઇન્દ્ર પાસે રાવ લઈ ગયા. દેવો અને દાનવો વચ્ચે ભીષણ યુદ્ધ ખેલાયું. આ પ્રસંગે લાંગીદાસ મહેડુએ યુદ્ધનું અત્યંત રોચક વર્ણન કર્યું છે. વસ્તુતઃ તે યુદ્ધનાં આબેહુબ, નખશિખ, લાઘવયુક્ત અને કલાત્મક વર્ણનો ચારણકવિઓની આગવી વિશેષતા છે. ઇન્દ્ર પરાજિત થતાં શ્રી હરિની અગિયાર ઈન્દ્રિયોમાંથી એક નારી પ્રગટી, એ કારણ એનું નામ એકાદશી પડ્યું. કવિએ મોહિનીના સૌંદર્યનું અદભુત વર્ણન કરીને પોતાની શંગાર નિરુપણ કલાનો પરિચય કરાવ્યો છે. અલબત, એકદશીમાં તેમણે જગદંબાના સ્વરૂપનું પ્રાગટ્ય કરાવીને શૃંગારમાં સાત્વીકતા ભક્તિનું નિરુપણ કર્યું છે. એકાદશીને જોતાં જ મોહાસક્ત મરુરની મનોસ્થિતિ જડવત બની જાય છે, જુઓ :

જવનંહ નારી અને જિમ જોઇ, હલિ નહ ચાલિહે જમ જોઇ; 
ન પૂછી ગાછિ ગઈમ સ નાંમ, ચીતારિ જાંણ ચિત્ર ચિત્રોમ.

ઓખાહરણ
ભાગવત, શિવ પુરાણ, હરિવંશ, વિષ્ણુપુરાણ અને પદ્મપુરાણ વગેરે ગ્રંથોમાં આવેલ ઓખાહરણની કથાને આધારે લાંગીદાસે ઓખાહરણની રચના કરી છે. શિષ્ટ સાહિત્યમાં અને ચારણી સાહિત્યમાં ઓખાહરણની કથા અનેક કવિઓના હાથે લખાઇ છે, પરંતુ એ બધામાં લાંગીદાસની આ રચના અનોખી, અને વિશેષ લોકપ્રિય રહી છે. મેધાણીએ ‘ચારણો અને ચારણી સાહિત્ય’ ગ્રંથમાં લખ્યું છે. કે રાજદરબારમાં પ્રેમાનંદનું ‘ઓખા હરણ’ વાંચવાનું લગભગ નિષિધ ગણાય છે, કેમ કે એમાં શૃંગારનું ત વ વધારે જોરદાર છે. પણ લાંગીદાસનું ‘ઓખાહરણ” અંત : પુરોમાં છૂટથી મંડાતું હતું. ‘ઓખાહરણ’ સાંભળવું હોય તો ગઢવીઓનું સાંભળવું, ઓલ્યું નઇ ! એમ દરબારો પોતાની રાણીઓને કહેતા: વસ્તુત: તો ક્ષત્રિયોના આ ઉદ્ગારો પાછળ તેમની સંસ્કારપ્રીતિ અને ચારણી સાહિત્યની અસ્મિતાના દર્શન થાય છે. કેમ કે, મધ્યકાલીન પરંપરા અનુસાર ચેત્રમાસમાં ‘ઓખાહરણનું’ શ્રવણ અનિવાર્ય મનાયેલું, પરંતુ એ કથા તો ક્ષત્રિયાણીઓના ચારિત્ર્ય ઘડતરને પ્રેરક – પોષક ન બને. ધર્મ પોષણની સમાંતરે ચારિત્ર્ય પોષણ અનિવાર્ય જ હોય. પ્રેમાનંદનું ‘ઓખાહરણ’ આવી કડક મૂલ્યનિષ્ઠ વિભાવનાને અનુરુપ ન હતું.

જયારે લાગીદાસનું ‘ઓખા હરણ’ એમની સાંસ્કૃતિક વિચારધારાને પ્રેરક – પોષક હતું. શૃંગારનિષ્ઠ કથાને મૂલ્યનિષ્ઠ કથામાં, શૃંગારનિષ્ઠ વાતાવરણને શીલવાન વાતાવરણમાં અને શૃંગારરસને ભક્તિરસમાં પલટાવી નાખવાની વિરલ તાકાત ચારણ કવિઓની કલમમાં છે, એનું ઉજજવળ ઉદાહરણ લાંગીદાસ મહેડુ કૃત ‘ઓખા હરણ’ નું કથાનક છે.

૩૩૬ કડીમાં રચાયેલ આ આખ્યાનમાં કવિએ ભગવાન, શંકરનું તપ, નારદની ઉશ્કેરણી, વરદાનથી ગણેશ – ઓખાની ઉત્પતિ, ગણપતિનું મસ્તક છેદન, ઓખાનું મીઠાના ઢગલામાં સંતાઇ જવું વગેરે પ્રસંગો આલેખ્યાં નથી. હાસ્ય અને શૃંગાર પર કવિએ કાબુ રાખ્યો હોવાથી લગ્નવયસ્ક ઓખાની પરણવા માટેની ઘેલછા અહીં નિપાઇ નથી. ઓખા અહીં વધુ સંયમી છે. ઓખાને એકદંડિયા મહેલમાં રાખવાનું કારણ લાંગીદાસે નવું જ આપ્યો છે. અન્ય આખ્યાનકારો પ્રમાણે ઓખા કોઇ પુરુષના સંસર્ગમાં ન આવે તે માટે બાણાસુરે ઓખા માટે એકદંડીયો મહેલ તૈયાર કર્યો હતો. કારણ કે ઓખા પરણે ત્યારે તેના હાથ ભાગનાર શત્રુ ઊભો થવાની દેવવાણી હતી, જયારે લાંગીદાસે એવું નિરુપણ કર્યું છે કે ઓખાએ જાણી જોઇને પુરુષ માત્રનું મુખ ન જોવાનું વ્રત લીધું હતું. તેથી બાણાસુરે એકદંડિયો મહેલ તેને નિવાસ માટે આપ્યો હતો. લાંગીદાસની આ નિજી કલ્પના છે, કવિએ એ દ્વારા બાણાસુરને નિર્દોષ ઠરાવેલ છે. તો ચિત્રલેખાએ આલેખેલ અનિરુદ્ધના ચિત્રને ભેટતી ઓખાને તો ચિત્રલેખાએ કહેવું પડે છે કે “ન હોય નાથ વળગ્યામાં કાગળ ફાટે” જયારે લાંગીદાસની ઓખા આટલી ઉન્મુક્ત નથી, તે તો ચિત્રલેખા પાસે વાત કરતાં પણ શરમથી નયન નીચા ઢાળે છે. લાંગીદાસે એ પછી અનિરુદ્ધ અને બાણાસુર, કૃષ્ણ અને બાણાસુર તેમજ કૃષ્ણ અને શિવ વચ્ચેના યુદ્ધને પોતાની ચિત્રાત્મક વર્ણન શક્તિ દ્વારા તાદ્દશ કરેલ છે. વસ્તુત: તો લાંગીદાસે પોતાની વીરરસયુક્ત બાનીથી કથાને બહેલાવી છે. અહીં પ્રેમકથાને બદલે શૌર્યકથા આલેખવા તરફનું તેમનું વલણ પ્રગટ થાય છે. પૌરાણિક પાત્રોનું ગૌરવ જાળવીને લાંગીદાસે વીરરસ અને ભક્તિરસથી સભર કૃતિનું નિરુપણ કર્યું છે. યુદ્ધાંતે બાણાસુરના હાજર હાથ કપાયા પછી શિવજી અનિરુદ્ધ – ઓખાના લગ્ન શાસ્ત્રોક્ત વિધિથી કરવાનો પ્રસ્તાવ મૂકે છે. ઓખાનું કન્યાદાન આપવા માટે બાણાસુરના હાથ પાછા માગવાની આ તર્કસંગત કલ્પના પણ લાંગીદાસની મૌલિક સર્જક શક્તિની પરિચાયક છે. કૃતિમાં પ્રયોજાયેલા વિવિધ છંદો કવિની છંદ નિરુપણકલાના દ્યોતક છે. કૃતિમાં કથા પ્રવાહ અસ્મલિત ધારાએ વહે છે અને પાત્રો પણ સ્પષ્ટરેખ, જીવંત અને હૃદયસ્પર્શી બન્યાં છે. કૃતિમાં પ્રયોજાયેલ અલંકારો પણ પાત્ર, પ્રસંગ અને પરિસ્થિતિને ચિત્રાત્મક રીતે રજૂ કરે છે. સખીઓ સાથે પાર્વતીજીની પૂજા કરવા ગયેલી ઓખા પાર્વતી પ્રસન્ન થયા પછી પણ વરદાન માંગતા શરમાઇને નીચું જોઇ ઊભી રહે છે, આથી ઓખાની મનઃ સ્થિતિને પામેલા પાર્વતીજી ઓખાને સ્વપ્નપુરુષને વરવાનું વરદાન આપે છે. કવિની સર્ગશક્તિની પરિચાયક કેટલીક પંક્તિ જુઓ:

મખ હરખ ન માઇ, સખી સખી તણ તાલ. 
મખ ન મગિ નખમખ, નીચી મખ નિહાળી.
સમજી પારબતી સતી, જપિ ઈમ જગમાઇ;
તૂં ભાળી સપને તરિ, તું વર વરિ તકાઈ.

ચિત્રલેખાએ ઓખાના સ્વપ્નની વિગત જાણ્યા પછી અનિરુદ્ધનું ચિત્ર દોર્યું ત્યારે પણ તે અનિરુદ્ધને જોતાં જ લજજાથી નયનો નીચા ઢાળી દયે છે.

વર દેખ ઉષા હુઇ લજવેસા,
લખંતિ રહી એતરિ ચત્રલેખા…

ઓખાના સ્વપ્નથી માંડીને ઓખાના અનિરુદ્ધ સાથે સંપન્ન થયેલા લગ્ન સુધીની કથા લાંગીદાસે અત્યંત સંક્ષેપમાં રજૂ કરી છે, અને શૃંગાર રસના જમાવટની તક જતી કરી છે, એમનો આશય તો ચારણ સહજ યુદ્ધ વર્ણન દ્વારા વીરરસની જમાવટનો રહ્યો છે, એ એમણે કૃતિમાં પ્રયોજાયેલા યુદ્ધનાં વિવિધ વર્ણનો દ્વારા સિદ્ધ કર્યો છે, ભાગવત, શિવપુરાણ, હરિવંશ, વિષ્ણુપુરાણ, પદ્મ પુરાણ વગેરે ગ્રંથોમાં આવેલા ઓખા – હરણની કથાને આધારે લાંગીદાસે ઓખાહરણની રચના કરી છે. ચારણી સાહિત્યમાં ઓખાહરણની કથા અનેક કવિઓના હાથે લખાઈ છે. પરન્તુ એ બધામાં લાંગીદાસની આ રચના અનોખી અને વિશેષ લોકપ્રિય રહી છે.

૩૩૬ કડીના આ કાવ્યમાં કવિએ આરંભે ગણપતિ અને સરસ્વતીનું સ્તવન કર્યું છે, પછી પોતાના આશ્રયદાતા કરણજી ઝાલા સમક્ષ ઓખાહરણ રચવાની પોતાની ઇચ્છા વ્યક્ત કરી ત્યારે એમની સૂચનાથી બાલકૃષ્ણ ભટ્ટ કવિને ઓખાહરણના પૌરાણિક કથાનકથી વાકેફ કર્યા અને એને આધારે કવિએ પ્રસ્તુત રચના કરી એવો નિર્દેશ મળે છે,

‘કરણ જસુ દાતા કરણ, ગાંની જમ ગોવષ;*
*કીધ મસાગતિ મિ કથી, ભણી ગર દષ’
(કર્ણ સમાન દાનેશ્વરી અને ગોરખ જેવા જ્ઞાની કરણજી ઝાલાને મેં મારી ઇચ્છા (ઓખાહરણ લખવાની) કહી અને તે તેમણે ગુરુને કહી.)

બાલક્રસન ભટ્ટ અદ્ધ બંધ, અણહંદુ અપગાર; 
હુ ભાષા ઉષા હરણ, વરણાવરણ વચાર; 
(બુદ્ધિના સાગરરૂપ બાલકૃષ્ણ ભટ્ટનો આ ઉપકાર છે કે જેને કારણે આ ઓખાહરણ વર્ણ – અક્ષરનો વિચાર કરીને કહું છું.)

એ પછી ઓખાહરણની કથાનો આરંભ કરતાં બલિરાજા અને એના વંશજ બાણાસુરનો ઉદય, બાણાસુરે તપ તપી શિવ પાસેથી હજાર હાથી અને યુદ્ધમાં કોઈ તેને મહાત ન કરી શકે એવાં પ્રાપ્ત કરેલાં વરદાનો, એના પરિણામ સ્વરૂપે એનામાં જાગેલી યુયુત્સા, સમોવડિયો યોદ્ધો મેળવવા એણે કરેલી શિવ આરાધના, રીજેલા શિવે સમોવડિયો યોદ્ધો મળી રહેશે એની આપેલી ખાત્રી અને એ માટે નિશાનીરૂપ આપેલ ધજા વગેરે પ્રસંગો કલાત્મક રીતે હૂબહૂ રજૂ છે. ઉદાહરણ રૂપે કેટલીક પંક્તિઓ જોઇએઃ-

‘વંદ ગંગાધર એહ માગાં વર, કોઇમ મુજ હજાર દીજી કર;
જોર હેક કરે સાહસ કૂજર, સાર સાહે સડિ કોન માટેસર..”
(હે ગંગાજીને ધારવાવાળા ! મને હજાર હાથ આપો એવું વરદાન વંદન કરી માગુ છું. એક એક હાથમાં હજાર હાથીઓનું બળ આપો. હે મહેશ્વર ! કોઇપણ મારી સામે શસ્ત્ર ન ગ્રહણ કરી શકે.)

શિવ પાસેથી વરદાન પામી પાછા ફરેલા બાણાસુરનું નગરજનોએ કરેલ સ્વાગતનું વર્ણન કેવું નખશિખ છે તે જુઓ:-

‘હાટડે હાટડે થાટ ભીડોહડા, સામ સામે જુએ વાટ માટે બડા; 
દેખવા કારણે ઉર ઉરે દલિ, મેક જાવે મળિ કેક આવે મળિ,”
(શહેરની દુકાને દુકાને ભીડ જામી ગઇ, સૌ સ્વામીને કુશળ જોતાં રસ્તામાંજ ઊભાં હતાં, બાણાસુરનાં દર્શન કરવા માટે ત્યાં હૈયે હૈયા દળાય એવી ભીડ હતી. એક મળીને જાય ત્યાં અનેક મળવા આવી પહોંચે.)

સદ સિણાઈઆં નદ નફેરીઆં, ભૂગળ તૂર – ત્રબાલ કે ભેરીઆં; 
રાજતે ગાજતે રાજ આઉ વહે, સુંદરિ મંદર વદ જોઉ સહે,
(શરણાઇના સૂરો, નફેરીઓ, ભૂંગળો, તૂરઇ, નગારાં અને ભેરીઓના અવાજો સાથે વાજતે ગાજતે રાજા નગરમાં આવ્યો. મહેલોમાં સુંદર એવી રાણીઓએ પતિનાં ઘણે દિવસે દર્શન કર્યા.)

શિવે કરેલ શક્તિપ્રદાનથી એની સામે થનાર કોઇ ન રહ્યું. એનું લાધવયુક્ત આ વર્ણન જુઓ:-

‘કેક ભાજે ગિઆ નેક ભૂકા કિઆ, રુક છોડે બિઆ હાથ જોડે રિઆ;
સિર સિરે ભરે આંણ બાંણાસર, ન નકો અનમી કો ન સામુ નર.”
(કેટલાય શત્રુઓ ભાગી ગયા. અનેકના એણે ભુક્કા બોલાવી દીધાં જયારે બીજા હથિયારો ત્યજી હાથ જોડીને ઊભા રહ્યા. માથે માથા પર બાણાસરની આણ ફરી રહી, ન નમે કે સામા થાય એવા કોઇ નર ન રહ્યા.)

અને આમ થયું ત્યારે હવે બાણાસુરમાં યુયુત્સા જાગી.

જધ ચીતણ લાગી જલણ, હાથી કલણ અથાહ.
(હૃદયમાં યુદ્ધની ઇચ્છાની જલન જાગી અને હાથમાં અપાર ચળ ઊપડી.)

કાઈમ ભજા પરંતુ, જધ કાજિ દે જલંત;
કીજીએ એ વહુ કોએ, સામહું લડત સોએ.
(હે અવિનાશી ! મારી ભુજાઓ સળવળે છે. સંગ્રામ માટે કાયા પ્રજળે છે. કોઇક એવો નર ઉપજાવો કે જે મારી સામે યુદ્ધ કરે.)

શિવે એને ધરપત આપી અને નિશાની રૂપ ધજા આપીને કહ્યું:-

પડિ ધજા તણ દીહ પ્રમાણે, જઘ ઉપાઉ હુઉ તબ જાણે?
(જે દિવસે ધ્વજાનું પતન થશે તે દિવસે યુદ્ધ ઉત્પન્ન થયેલું જાણજે.)

આ પછીના કાવ્યના મુખ્ય પ્રસંગનું નિરૂપણ છે. બાણાસુરની પુત્રી ઓખા પાર્વતીને પ્રાર્થના કરી પ્રસન્ન કરે છે. પ્રસન્ન થયેલ પાર્વતી ઓખાના મનની વાત જાણી સમજીને ‘સ્વપ્નમાં દેખાનાર યુવકને પરણીશ’ એવી વાત કરે છેઃ

‘સમજી પારબતી સતી, જપિ ઇગ જગમાઇ; 
તૂ ભાળી સપનંતરિ, તુ વર વરિ તકાઈ.
(સતી પાર્વતી ઓખાના મનની વાત સમજયાં અને કહ્યું ‘તું સ્વપ્નમાં જોઇશ તેને તું વરી જાણજે.)

આ પ્રસંગ પછી ઓખાએ કોઇ પુરુષનું મુખ ન જોવાનું વ્રત લીધું અને એથી કરીને બાણાસુરે એને રહેવા માટે એકદંડિયા મહેલની વ્યવસ્થા કરી આપી. એકદંડિયા મહેલમાં ઓખા સ્વપ્નમાં ધનશ્યામ વર્ણ વાળા પતિને જુએ છે:

‘સમિ નીદ્રચિ તામ લાંઘુ સપન, વર દેષિઉ તાજા ધન વરને.
(એક વખત નિદ્રામાં ઓખાને એક સ્વપ્ન આવ્યું તેમાં તેણે ધનશ્યામ વર્ણનવાળા પતિને જોયો.)

સ્વપ્નની વાત ઓખા ચિત્રલેખાને કહે છે. ચિત્રલેખા ઓખાના સ્વપ્નની વાત વિગત જાણી સ્વપ્ન પુરુષનાં ચિત્રો દોરી બતાવે છે. સૂર્યવંશી, ચંદ્રવંશી, અન્ય છત્રીસ વંશના રાજકુમારો યાદવ રાજયુવકો, શૂરવીરો, કૃષ્ણ અને અંતે અનિરુદ્ધ ચિત્ર દોરી ઓખા સમક્ષ ધરતાં તે લજવાઈને ઊભી રહે છે.

‘વર દેષ ઉષા હુઈ લજવેશા.

અહીં ‘દીઠા શ્રી કૃષ્ણને ઓખા ઊઠી..’ વગેરે પ્રેમાનંદ કોટિનું વર્ણન નથી અને એવું વર્ણન કરવાનો કવિનો કદાચ, આશય પણ નથી. ચિત્રલેખા અનિરુદ્ધને નિદ્રાધીન કરી હરી લાવે છે અને એકદંડિયા મહેલમાં ઓખા અનિરુદ્ધનાં ધડિયાં લગ્ન થાય છે. બરાબર એ સમયે બાણાસુરને શિવજીએ આપેલ ધજાનું પતન થાય છેઃ

‘પડી તેન સમી ધજા દીહ પ્રમ,”

ઓખાના સ્વપ્નથી માંડીને ઓખાના અનિરુદ્ધ સાથે સંપન્ન થયેલા લગ્નના પ્રસંગ સુધીની કથા લાંગીદાસે અત્યંત સંક્ષેપમાં રજૂ કરી છે અને શૃંગાર રસના જમાવટની તક જતી કરી છે, એમનો આશય તો ચારણ સહજ યુદ્ધ વર્ણન દ્વારા વીરરસની જમાવટ રહ્યો છે અને એ એમણે આ કૃતિના આરંભે બાણાસુરના વિવિધ રાજવીઓ સામેના યુદ્ધવર્ણનમાં અને ઓખા – અનિરુદ્ધના લગ્ન પછી બાણાસુર – અનિરુદ્ધ અને અનિરુદ્ધની સહાયે આવતા કૃષ્ણના બાણાસુર સાથેના યુદ્ધવર્ણન દ્વારા સિદ્ધ કર્યો છે. બાણાસુરના અનિરુદ્ધ સાથેના યુદ્ધના વર્ણનની આ પંક્તિઓ જુઓ:

‘અસા ઉછળે સાર પારંઅપાર, વા બાર પડે આરંપારે વિહારે;
ચલે ૨ ।।ધાર ત્રધારં ચુધારં, અડિ સારધારં ઇઆર ઈઆર.
(આ પ્રકારે હથિયારો ઉછળ્યાં આ શસ્ત્રો યોદ્ધાઓના શરીરને વીંધીને રણભૂમિમાં, વિહાર કરવા લાગ્યાં, ત્રણ ધારા, ચોધારાં શસ્ત્રો ચાલવાથી રક્તની ધારાઓ વહેવા લાગી. શસ્ત્રધારી યોદ્ધાઓ સામસામે ભીડાયા.)

‘ગૂડારં હડારં મચે રતગારં, પડિ કે ઈઆર સ ધારં પથાર; 
લડેવા તિઆર લગી લાર લારંડિડિ બંધુક જંબુર અપાર. 
(કવચધારી હાથીઓનાં અંગોમાંથી વહેતા લોહીને કારણે રણભૂમિમાં કીચડ થયો, કંઇક યોદ્ધા શસ્ત્રોની ધારની પથારી પર સૂતા. લડવા માટે સજજ યોદ્ધાઓની લાઇન લાગી. અપાર બંદૂકો અને જંબીશસ્ત્રોની ગડેડાટી થઇ.)

શ્રી કૃષ્ણ બાણાસુરના હજાર હાથ કાપી નાખે છે. બાણાસરુ ભગવાન શિવજીને ફરિયાદ કરે છે, શિવજી તેમના ગણોને બાણનાસુરની સહાયે કૃષ્ણ સામે મોકલે છે. બંને વચ્ચે તુમુલ યુદ્ધ થાય છે, જે જવરયુદ્ધના નામથી જાણીતું છે. પૃથ્વી પર પ્રલય થાય એવી સ્થિતિ સર્જાય છે. બ્રહ્મા આવીને સમાધાન કરાવે છે અને શ્રી કૃષ્ણ બાણાસુરને ચાર હાથ આપી ચતુર્ભુજ બનાવે છે. બાણાસુર ઓખાનું કન્યાદાન કરે છે.

કાવ્યના અંતે કવિએ ઇશ્વરના અવતારોનું સ્તવન કર્યું છે. અને હરિ અને હરનાથના સ્તવન સાથે કૃતિ પૂર્ણ કરી છે.

ભાગવત્માંના કે પુરોગામીઓની રચનાઓમાંના – ઓખાની ઉત્પત્તિકથા, શંકરનું તપ, નારદની ઉશેકરણી, વરદાનથી ગણેશ – ઓખાની ઉત્પત્તિ, ગણપતિનું મસ્તક છેદન, ઓખાનું મીઠાના ઢગલામાં સંતાઇ જવું – વગેરે પ્રસંગો લાંગીદાસના ઓખાહરણમાં નથી. ઓખા એકદંડિયા મહેલમાં રહે છે. એનું કારણ પણ લાંગીદાસે જુદું જ આપે છે (ઓખા કોઇ પુરુષના સંસર્ગમાં ન આવે એ માટે બાણાસુર એકદંડિયા મહેલની રચના કરી એમાં ઓખાને રાખે છે, જયારે અહી ઓખા જાતે જ કોઇ પુરુષનું મુખ ને જોવાનું વ્રત રાખે છે.) આ બધા પરથી લાંગીદાસે શૃંગારની આછી છાંટ સાથે વીરરસને પ્રધાનપણે રાખીને ઓખાહરણની કથા લખી છે. ચારણોમાં અને રજપૂતોમાં કદાચ આથી જ લાંગીદાસની આ રચના લોકપ્રિય બની છે. મેધાણીએ આ રચના વિશે સાચું જ નોંધ્યું છે કે ‘રાજદરબારમાં પ્રેમાનંદનું ઓખાહરણ વાંચવાનું લગભગ નિષિધ ગણાય છે, કેમ કે, એમાં શૃંગારનું ત વ જોરદાર છે. પણ લાંગીદાસનું “ઓખા હરણ” અંતઃપુરોમાં છૂટથી મંડાતું હતું, ‘ઓખા હરણ’ સાંભળવું હોય તો ગઢવીઓનું સાંભળવું ઓલ્યું નઇ! એમ દરબારો પોતાની રાણીઓને કહેતા,

‘વસ્તુતઃ ચારણ સહજ રીતે લાંગીદાસજી યુદ્ધવર્ણનમાં પર્ણરુપે ખીલ્યા છે. કૃતિમાં પ્રયોજાયેલા રણવાધો અને શાસ્ત્રોના વર્ણનો, પરસ્પર યુદ્ધ ખેલતા યોદ્ધાના વર્ણનો, નાદતત્વો અને અલંકારનો સમુચિત વિનિયોગને કારણે કૃતિ આસ્વાદ્ય બની છે. લાંગીદાસની સર્જનકલાની દ્યોતક આ કૃતિનું સંપાદન ડૉ. ઇશ્વરભાઇ દવે અને રતુદાનજી રોહડિયાએ કર્યું છે જે ઇ.સ. ૧૯૭૮ માં સૌરાષ્ટ્ર યુનિવર્સિટી મારફત પ્રકાશિત થયેલ છે.

૨.૯ સત સ્મરણ
૧૦૭ દુહામાં રચાયેલ આ ગ્રંથ વિશે એક દંતકથા પ્રચલિત છે કે હળવદના રાજવી જસાજીએ લાંગીદાસ મહેડુ પાસે માળા કરતાં કરતાં પાઠ કરી શકાય એવા ભક્તિ ભાવ ભર્યા નાના ગ્રંથની માગણી કરી, લાંગીદાસે આ માગણીના સંદર્ભમાં પ્રસ્તુત ગ્રંથની રચના કરી. પરમ વૈષ્ણવ લાંગીદાસજીની ઉત્કટ ભક્તિભાવનાનો પરિચાયક આ ગ્રંથ ઈશ્વર સાવનનો છે. પરમાત્માની એકનિષ્ઠ ઉપાસના – આરાધના અને નામસ્મરણ કરનાર વ્યક્તિ ભક્તિના બળે ભવસાગર તરી જાય છે, એ માટેના અનેક ઉદાહરણો પ્રાપ્ત થાય છે.

ઇશ્વર સ્તવનનો આ ગ્રંથ છે જેમાં કવિ ભક્તિભાવના સુપેરે રજૂ થઇ છે. કેટલાંક ઉદાહરણ જુઓ:-

દજ છોડણ દાણવ દહણ, બંધણ આખર બંધ;
નમો નમો અજોની નાથ, નર કાઆ નર તે કંધ.
(દ્વિજોને અસુરોના ત્રાસમાંથી મુક્ત કરાવનાર, વેદનું હરણ કરનાર શંખાસુરનો વધ કરી વેદવાણી અક્ષર સ્વરૂપે બદ્ધ કરનાર, માનવ શરીર અને અશ્વની ગ્રીવવાળા ભગવાન હયગ્રીવને વંદન હો.)

‘થંભ થકી હરિ પ્રગટ તે, હરણ કંશ અગ;
પણ પેલાદ રહાવણ, નમો નમો નરસંગ.”
(સ્થંભમાં પ્રગટ થઇ જેમણે હિરણ્ય કશ્યપનાં અંગોનું હરણ કર્યું છે, એવા ભક્ત પ્રહલાદની પ્રતિજ્ઞાનું રક્ષણ કરનાર ભગવાન નરસિંહને નમન હો)

‘જળ થળ જે થાવર જંગમ, સોખમ થૂળ સમાથ; 
ઉચા નીચા સહતું અલખ, નમો વભૂતી નાથ.
(આ જગતમાં સ્થાવર – જંગમ , સૂક્ષ્મ, ઊંચા – નીચા વર્ણો – જે કંઈ છે તે સર્વ લક્ષમાં ન આવનાર અને સમર્થ એવા પરમેશ્વર, આપ જ છો. સર્વ વિભૂતિઓના સ્વામી આપને નમસ્કાર છે.)

આ લોકમાં જન્મ ધરીને જેણે પરમેશ્વરના ગુણ ગાયા નહિ તેમનો અવતાર એળે ગયો, જેમની જીભે પ્રભુના ગુણ ગાયા નહિ તેમની જીભ મુખમાં ભાર સમાન છે. અને જેમણે પ્રભુનું સંકીર્તન કર્યુ તેમને સંસારમાં જીવતાં પ્રશંસા પ્રાપ્ત થાય છે અને મૃત્યુ પામતાં મોક્ષ મળે છે, મતલબ કે તેમના આ લોક અને પરલોક બંને સુધરી જાય છે.
*‘જગત સરાએ જિવતાં, મગતિ મુ હી થાઇ’*

૨.૧૦ ગણબાબી સે
જૂનાગઢના બાબી રાજવંશને લગતી આ રચના ૫૭ કડીની છે અને તે નિશાણી છંદમાં રચાયેલી છે. જૂનાગઢના બાબી બહાદુરખાનના પોરબંદરના રાણા ખીમાજી જેઠવા સામે અને પીલાજીરાવ ગાયકવાડ સામે ખેલાયેલ જંગની કથા છે પણ પ્રધાનપણે તે પીલાજીરાવ સામેના યુદ્ધના પ્રસંગને નિરૂપે છે.

મંગલાચરણ પછીની પંક્તિઓ બતાવે છે કે આખી રચના કવિના મુખમાં મૂકાયેલી હોય તેવી રીતે રજૂ થઇ છે. નિસાણી પ્રકારના ચારણી સાહિત્યના બંધની ૫૭ કડીની વીરરસાત્મક આ રચનામાં જૂનાગઢના બાબી રાજવંશની વીરતાને વર્ણવવામાં આવી છે.

મુખ્ય વે જૂનાગઢના નવાબ બહાદુરખાન બાબીનાં પોરબંદરના રાણા ખીમાજી જેઠવા અને વડોદરાની રાજગાદીના આદ્ય પુરુષ પીલાજી રાવ ગાયકવાડ સામેના યુદ્ધોની કથા આ રચનાની વિષયવસ્તુ છે. પણ આમાં સવિશેષપણે તો પિલાજીરાવ ગાયકવાડ સામેના યુદ્ધની કથા વિસ્તરી છે. જયારે પોરબંદરના રાણા સાથેના સંગ્રામની કથા સંક્ષેપમાં આપી છે. આ રીતે લાંગીદાસે પિલાજી રાવ ગાયકવાડ સામેના બહાદુરખાન બાબીનાં યુદ્ધને સવિશેષ મહ વ આપ્યું છે, આનાં બે ઉદાહરણ જોઈએ.

‘ભાદરખાન મહાબળી, હર જાફર હેંદા,*
કરસી નામા મિ કહું, સબ કોઅ સણદા, 
(જાફરખાનનાં વંશજ એવા મહાબળવાન વીર બહાદુરખાનનાં વીર કર્મોનું હું વર્ણન કરુ છે, તે સૌ કોઇ સાંભળો.)

આ યુદ્ધમાં નવાબના સૈન્યે મરાઠાઓના સૈન્યને કચડી – નાખેલ તેનો પરાજય કરેલ.

પીલુકા દળ પિલિઆ, તલ જેમ તણીતણ;
બાબી બાદરખાન કી, હુઈ જીત જણજણ.
(નવાબે ધાંચી ધાણીમાં તલ પીલે તેમ પીલાજીરાવનાં સૈન્યને શસ્ત્ર વડે પીલી નાખ્યું. આ રીતે બહાદુરખાન બાબીની સર્વત્ર જીત થઇ.)

કૃતિના અંતે બહાદુરખાનનાં યશોગાન ગાઇને કવિ, કવિજનોએ કરેલાં પાપ નષ્ટ થઇ જાય છે, એવી ફલશ્રુતિ સાધે છે:-

‘કરસી નામા આપકી, જ નમે જ જપાઆ;
ત્રિખત હતિઆ ઊતરી, કહી પાપ કટાઆ.

’આ ગ્રંથનાં લહિયા લાંગીદાસ મહેડુના પૌત્ર સગા મહેતુ છે,

૨.૧૧ સજ સગણ
આની રચના પાછળ લાંગીદાસ મહેડુની દ્વિમુખી મનેચ્છા રહી છે. એક તો પ્રથમ ધ્રાંગધ્રાના ઝાલા રાજવંશનો ઇતિહાસ વર્ણવવો. અને બીજી રાજ પ્રતાપસિંહનાં પોતે જોયેલાં વીરકર્મોને વર્ણવવાનો છે. જે પ્રારંભમાં જ ઉદ્દઘાટિત કરે છે.

વધવાણ અપરમ વંદુ બહ્મ સધુ દિવાણ;
ગાવાં હું પાતલ ગણિ, વંશ વખાણ વખાણ..
(હું પરમેશ્વરી એવાં બ્રહ્મપુત્રી સરસ્વતીને વંદન કરું છું, પરમેશ્વરી મને વાણી આપો. જેથી હું રાજ પ્રતાપસિંહનાં વીર કર્મનું ગાન કરું.)

આમાં આરંભમાં લાંગીદાસે ઝાલા કુળનો ઇતિહાસ વર્ણવ્યો છે, જે વિસ્તૃત રીતે વર્ણવ્યો છે. ૮૬ ક્રમની કડીથી આ મહ વની ઐતિહાસિક રચના અપૂર્ણ મળે છે. આમાં ઝાલા કુળની ઉત્પતિ અને તેનો વંશ વિસ્તાર વર્ણવતા મુખ્ય મુખ્ય પ્રસંગો વર્ણવ્યા છે, ૮૬ ક્રમની કડી સુધીમાં કેસર મકવાણાએ સિંધના હમીર સુમરાની રાજધાનીમાંથી ૧૪૦ સુમરીઓનું હરણ કર્યાની પરાક્રમગાથા પછી હસ્તપ્રત અપૂર્ણ રહી ગઇ છે, એટલે લાગે છે કે આ કૃતિ સારી પેઠે લાંબી હશે અને લાંગીદાસે રાજ પ્રતાપસિંહ સુધીના ઝાલા રાજવંશનાં વીર કર્મોને આ રચનામાં કાવ્યબદ્ધ કર્યો હશે. પણ ખેદ એ વાતનો છે આ મહ વની ઐતિહાસિક કૃતિની પૂર્ણ હસ્તપ્રત હજી પ્રાપ્ત નથી થઇ. એની ૮૬ કડી પ્રાપ્ત થાય છે જેમાં ઝાલાવંશના પરાક્રમી પૂર્વજોનાં કવિએ યશોગાન ગાયાં છે ૧૦ દુહા અને ૭૬ બિયાખરી, છંદો પછીની એની હરતપ્રત અધૂરી છે એટલે જયાં સુધી એની અન્ય પૂર્ણ પ્રત ન મળે ત્યાં સુધી આ ગ્રંથ વિશે આધારપૂર્ણ કશું કહી ન શકાય.

૨.૧ર લઘુકાવ્યો
હસ્તપ્રતોમાં લાંગીદાસનાં સ્ફટ કાવ્યો અંગે શોધ કરતાં નીચે પ્રમાણે સ્કૂટ કાવ્ય પ્રાપ્ત થયાં છે.
૧. ગુરુ લાલ ભટ્ટની સ્તુતિ ૩ કડી.
૨. સંગ્રામજી જાડેજાએ આપેલ અશ્વદાનના વધાવાનું ગીત, ૭ કડી.
૩. આમદખાનની પ્રશંસાની ઝમાળ, ૪ કડી.
૪. મહારાજ અભેસિંહની પ્રશંસાનું અમદાવાદ પરના વિજયનું ગીત, ૧૦ કડી.
૫. રાજ રાયસિંહજીની પ્રશંસાનું ગીત, ૬ કડી.
૬. ભાવનગર નરેશ વખતસિંહની તરવારનું ગીત, ૪ કડી.
૭. હરિ ભક્તિ કરવા પ્રબોધતું ગીત, ૫ કડી.
૮. પ્રભુ સ્મરણ કરવા પ્રબોધતું ગીત, ૫ કડી.
૯. જગદંબા સ્તવનનું ગીત.

સ્કૂટ રચનાઓ આ રીતે ઓછી મળે છે. જે સૂચવે છે કે લાંગીદાસે માનવીની પ્રશંસા પરત્વે ખાસ વિશેષ રૂચિ દાખવેલ નથી, પણ પ્રસંગવશ અનિવાર્યપણે સમયાનુસાર એમણે વ્યક્તિપ્રશંસાની રચના કરી છે. જેમાં એમની ગુણાનુગ્રાહી પ્રકૃતિનાં દર્શન થાય છે.

લાંગીદાસનો યુગ જ આજના યુગથી સાવ નિરાળો હતો. પ્રજામાં અભણપણું એ કાળે વ્યાપક પ્રસરેલું હતું. અને લોક શિક્ષણ તથા ધર્મ અંગેના જ્ઞાન માટે સમાજ ભવાયા અને માણભટ્ટોની કથાઓ પર આધાર રાખતો હતો. તે ઉપરાંત કયારેક ભાગવાતાદિ પુરાણોની કથાઓ – સપ્તાહો પણ મંડાતી હશે. પણ તે બહુ ઓછા પ્રમાણમાં. માણભટ્ટોની કથામાં શૃંગારનો અતિરેક અને હીનકક્ષાનાં વર્ણનો, અને ભવાઇના ખેલોમાં પ્રવેશેલી. અશ્લીલતાને કારણે મર્યાદાશીલ એવા ક્ષાત્ર સમાજમાં માણભટ્ટોની કથાઓ અને ભવાઇની રમતો પ્રત્યે એ કાળે ક્ષાત્ર વર્ણને અરુચિ ઉપજી હશે. અને લાંગીદાસે પણ ઉધાડી આંખે માણભટ્ટો અને ભવાઇમાં પ્રવેશેલી વિકૃતિઓને જોઇ હશે. આ કારણે દેશ, ધર્મ અને પ્રજાના રક્ષણ અર્થે પેઢીઓથી માથાં ન્યોછાવર કરતા ક્ષત્રિય સમાજનાં, સંસ્કાર અને મર્યાદાશીલતાનું રક્ષણ કરે અને ક્ષાત્ર સમાજના વીરોચિત સંસ્કારોને અનુરૂપ એવાં પૌરાણિક આખ્યાનો રચ્યાં હશે કે જેમાં વીર અને શાંતરસ મુખ્ય છે. લાંગીદાસે ‘ઓખાહરણ’ અને ‘એકાદશી માહાત્મ’ જેવાં પૌરાણિક આખ્યાનો ‘સત્ સ્મરણ’ જેવી ભક્તિ પ્રેરક રચનાઓ અને ‘રાજ સગણ’ તેમ ‘ગણ બાબી રો’ જેવી ઐતિહાસિક અને વીરરસાત્મક રચનાઓ આપી એ કાળના ક્ષાત્ર વર્ગની મોટી સેવા તો કરી જ છે. પણ સાથે સાથે ઇતિહાસની પણ ગણનાપાત્ર સેવા કરી છે.

લાંગીદાસના ઉપલબ્ધ સમગ્ર કવન પર નજર નાખતાં એમણે ચારણ સર્જક સહજ પ્રશસ્તિગીતો કાવ્યો, અને વીરરસ પ્રધાન કૃતિઓ આપી છે. એમની રચનાઓમાં રહેલો ભક્તિભાવ પણ અછતો રહેતો નથી. આવા એક સર્જકની કેટલીક રચનાઓ ચારણો પાસે હસ્તપ્રતોમાં ધૂળ ખાતી પડી હશે અને એ કોઇ ધૂળ ધોયાની રાહ જોતી હશે. એવો કોઇ ‘ધૂળ ધોયો’ આ બાબતની નોંધ લેશે એવા વિચાર સાથે અસ્તુ.

સંદર્ભ નોંધ:- 
(૧) રતુદાન રોહડિયા, અંબાદાન રોહડિયા, (સંપાદક) લાંગીદાસ મહેડુ : ‘સત અરણ’ પૃ.૧.
(૨) એજન, પૃ.૨.
(૩) રતુદાન રોહડિયા: ગુજરાતના ચારણી સાહિત્યનો ઈતિહાસ, પૃ.૫૩.
(૪) માવદાનજી ૨ત્નું: “શ્રી યદુવંશ પ્રકાશ અને જામનગરનો ઇતિહાસ, ’ખંડ – ૧ પૃ. ૧૪૬-૧૫૨.
(૫) એજન, પૃ. ૧પર.
(૬) રતુદાન રોહડિયા, અંબાદાન રોહડિયા, (સંપાદક) લાંગીદાસ મહેડુ: ‘સત સ્મરણ પૃ. ૨.
(૭) સંપાદક: ડૉ. ઈશ્વરલાલ દવે, રતુદાન રોહડિયા : ચારણ કવિ લાંગીદાસ મહેતુ કૃત ‘ઓખા હરણ’, પૃ. ૪.
(૮) લાંગીદાસ મહેડુના વંશજ હરિસંગભાઈ મહેડુની ગોલાસણમાં રૂબરૂ મુલાકાત તા. ૮/૧૦/૦૨.
(૯) એજન.
(૧૦) સંપાદકઃ ડૉ. ઈશ્વરલાલ દવે, રતુદાન રોહડિયા : ચારણ કવિ લાંગીદાસ મહેડુ કૃત ‘ઓખા હરણ’, પૃ. ૫.
(૧૧) એજન.
(૧૨) એજન.
(૧૩) લાંગીદાસ મહેડુના વંશજ હરિસંગભાઈ મહેડુની ગોલાસણમાં રૂબરૂ મુલાકાત તા. ૮/૧૦/૦૨.
(૧૪) સંપાદકઃ ડૉ. ઈશ્વરલાલ દવે, રતુદાન રોહડિયા : ચારણ કવિ લાંગીદાસ મહેડુ કૃત ‘ઓખા હરણ’, પૃ. ૬.
(૧૫) એજન.
(૧૬) એજન, પૃ. ૭.
(૧૭) એજન, પૃ. ૮.
(૧૮) રતુદાન રોહડિયા, અંબાદાન રોહડિયા, (સંપાદક) લાંગીદાસ મહેડ : ‘સત સ્મરણ’ પૃ. ૧૫.
(૧૯) સૌરાષ્ટ્ર યુનિવર્સિટી, ચારણી સાહિત્ય હસ્તપ્રત ભંડારની પ્રત નં. ૨૩/૯૬૯.
(૨૦) એજન, પૃ. ૮.
(૨૧) એજન, પૃ. ૮.
(૨૨) એજન, પૃ. ૯.
(૨૩) એજન, પૃ. ૯.
(૨૪) એજન, પૃ. ૧૨.
(૨૫) એજન, પૃ. ૧૪.
(ર) એજન, પૃ. ૧૫.
(૨૭) એજન, પૃ. ૧૬.
(૨૮) એજન, પૃ. ૧૮.
(૨૯) એજન, પૃ. ૧૯.
(૩૦) ઝવેરચંદ મેઘાણી: ‘ચારણો અને ચારણી સાહિત્ય’, પૃ. ૬૧.
(૩૧) સંપાદકઃ ડૉ. ઈશ્વરલાલ દવે, રતુદાન રોહડિયા : ચારણ કવિ લાંગીદાસ મહેડુ કત “ઓખા હરણ’, પૃ. ૧૫ર.
(૩૨) એજન, પૃ. ૧૯૨.
(૩૩) અજન, પૃ. ૫૮.
(૩૪) એજન, પૃ. ૫૯.
(૩૫) એજન, પૃ. ૭૫.
(૩૬) એજન, પૃ. ૮૧.
(૩૭) એજન, પૃ. ૮૨.
(૩૮) એજન, પૃ. ૧૦૬.
(૩૯) એજન, પૃ. ૧૧૫.
(૪૦) એજન, પૃ. ૧૩૮.
(૪૧) એજન, પૃ. ૧૩૮.
(૪૨) એજન, પૃ. ૧૫ર.
(૪૩) એજન, પૃ. ૧૬૯.
(૪૪) એજન, પૃ. ૧૮૭.
(૪૫) એજન, પૃ. ૨૦૭.
(૪૬) એજન, પૃ. ૨૦૮.
(૪૭) ઝવેરચંદ મેઘાણી: ‘ચારણો અને ચારણી સાહિત્ય’, પૃ. ૬૧.
(૪૮) સંપાદક : ડૉ. ઈશ્વરલાલ દવે, રતુદાન રોહડિયા : ચારણ કવિ લાંગીદાસ મહેડુ કૃત ‘ઓખા હરણ’, પૃ. ૪.
(૪૯) રતુદાન રોહડિયા, અંબાદાન રોહડિયા, (સંપાદક) લાંગીદાસ મહેડુ: ‘સત સ્મરણ’ પૃ. ૧૨.
(૫૦) એજન, પૃ. ૨૬.
(૫૧) એજન, પૃ. ૩૧.
(૫૨) એજન, પૃ. ૩૧.
(૫૩) એજન, પૃ. ૩૭.
(૫૪) સૌરાષ્ટ્ર યુનિવર્સિટી, ચારણી સાહિત્ય હસ્તપ્રત ભંડારની ચોપડા નં. ૪૬, હસ્તપ્રત નં. ૨૨૯૦.
(૫૫) એજન, પૃ. ૨.
(૫૬) અજન, પૃ. ૪.
(૫૭) એજન, ચોપડા નં. ૪૬ હસ્તપ્રત નં. ૨૨૮૯.
(૫૮) એજન, પૃ. ૯.
(૫૯) એજન, ચોપડા નં. ૧૪, હસ્તપ્રત નં. ૪૫૯.
(૬૦) એજન, ચોપડા નં. ૧૮, હસ્તપ્રત નં. ૬૬૨.
(૬૧) એજન, ચોપડા નં. ૧૯, હસ્તપ્રત નં. ૭૨૭.
(૬૨) એજન, ચોપડા નં. ૩૦, હસ્તપ્રત નં. ૧૫૯૬.
(૬૩) એજન, ચોપડા નં. ૫૧, હસ્તપ્રત નં. ૨૫૧૯.
(૬૪) એજન, ચોપડા નં. ૩૭૭, હસ્તપ્રત નં. ૭૦૪૪.
(૬૫) એજન, ચોપડા નં. ૨૧, હસ્તપ્રત નું, ૮૭૫.
(૬૬) એજન, ચોપડા નં. ૫૧, હસ્તપ્રત નં. ૨૫૧૩.
(૬૭) એજન, ફાટેલ ચોપડાના પાનાની નકલનો ચોપડો, અનં. ૩ , પૃષ્ઠ ૫.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Recent Posts

Categories

Categories

error: Content is protected !!
चारण शक्ति