( રાષ્ટ્રની પશ્ચિમી સરહદ પર આવેલો આપણો લખપત, ભવ્ય ભૂતકાળ ના સંભારણા હૈયે ભરી વર્તમાનમાં અનેક ભૌતિક અગવડ વચ્ચે મુસીબતો વેઠી રહ્યો છે. રાજયના અન્ય ભાગમાં જઈએ ત્યારે સિંચાઈની કેનાલ, સુંદર બગીચા, એમ્સ(A I M S) હોસ્પિટલ, સાયન્સ કોલેજ જેવી સુવિધાઓની માંગણી થતી હોય છે. જ્યારે લખપતની પ્રજા આજ પણ એકાંતરે અવાડા ભરવા ટેન્કર, સિક્યુરિટી ગાર્ડની નોકરી, શાળામાં શિક્ષકોની ઘટ પુરી કરવી, ગાંડા બાવળમાંથી કોલસા બનાવવાની પરમીટ, બે રૂપિયે કિલો સુકું ઘાસ જેવી આશાઓ રાખીને બેઠી હોય છે. ત્યારે એક લખપતના રહેવાસી તરીકે થતી વેદના આ કવિતામાં વ્યકત કરી છે…….)
લખપત ખુશ!!!
* અમે લખપત ના લોકો, માત્ર દિલાસાથી ખુશ.
બંધાવો સાચી કે જુઠ્ઠી, એ આશાથી ખુશ.
*સિંચાઈની કેનાલ ક્યાં? ક્યાં છલકતા સરોવર?
એકાંતરે ટેન્કરથી ભરાય,એ *અવાડા* થી ખુશ.
* ખનિજ ખોદીને લઈ જાઓ, વિધુત ઉત્પન્ન કરો,
બની ખલાસી કે મજુર, *અધુરા વેતનથી* ખુશ.
* હરિયાળા વનના ઉત્સવ, થાય કરોડોના ખર્ચે,
અમે *કોલસા બનાવવા*,બાવળના જતનથી ખુશ.
* માંગણી એમ્સ ની, આધુનિક સુવિધા મુબારક
વરસના વચલા દહાડે, *ફરતા દવાખાનાથી* ખુશ.
* કોલેજો સાયન્સની નવી, તકનીકી કેન્દ્ર તમારા,
*માસ્તરની ઘટ* પુરાશે, અમે એ બહાનાથી ખુશ.
* લીલી ધોળી ક્રાંતિઓ, રોજ છાપામાં વાંચીએ,
મરતા ઢોરને જો આપો તો, *સુકા ઘાસથી* ખુશ.
* અમારૂં ગુજરાત વિકસે, તેનું ગૌરવ અમે લઈએ,
અવિકસિત લખપતવાસી, સૌના વિકાસથી ખુશ.
* * * * * * * * * * * * *
– *કવિ: જય*
– *જયેશદાન ગઢવી*