શબ્દની શોધખોળ
* જીવન ને શબ્દોમાં, તરબોળ રાખું છું.
હોઠ પર સ્મિતની, છાકમછોળ રાખું છું.
* કદી ખુમારી મા અને, કદી તમારા ખ્યાલોમાં.
આંખને કસુંબલ રંગે, રાતી ચોળ રાખું છું.
* બધી વેદના અને વિષાદ, ધોવાઈ જાય છે.
હૈયામાં કવિતા નો ધોધ, માથાબોળ રાખું છું.
* મારી પદ્ધતિ સીધા, દિલમાં ઉતરી જવાની છે.
હું કોઈ વાત કદી ક્યાં, ગોળ ગોળ રાખું છું.
* મારી ગઝલ તમને, એટલે ગમે છે દોસ્ત.
હ્રદયમાં હું ય તમારી જેમ, ઉઠેલી સોળ રાખું છું.
* સજાવટ છે, જમાવટ છે, મારી ડેલીએ અક્ષરની.
ઘરના ટોડલે કવિતા ની, ઝાકમઝોળ રાખું છું.
* શબ્દ પથ, શબ્દ ભોમિયો, શબ્દ મંઝિલ છે ” *જય*”.
શબ્દના સહારે શબ્દની, શોધખોળ રાખું છું.
* * * * * * * * * * * * * *
-કવિ : ” જય” -જયેશદાન ગઢવી.