Thu. Nov 21st, 2024

અક્ષર થઈને રમું છું
* કયામતના ડર વિના,  અમર થઈને રમું છું.
હું પાર્થ, હું જ કરણ, જાતમાં સમર થઈને રમું છું.

* વિષાદની ઘટાઓને, કરી દઉં રૂપાળી વાદળી,
કલ્પના ના વિજ ચમકારે, મેઘાડમ્બર થઈને રમું છું.

* કોઈ છોડે કે તરછોડે નથી ખાલીપો વર્તાતો મને,
માંહ્યલા ખજાનાને જોરે, સદ્ધર થઈને રમું છું.

* જીવતરના ખેલની , ખેલદિલીમાં શાન છે,
હાર-જીતની દરકાર વિના, નિડર થઈને રમું છું.

* કવિ ને તે ભલા શું રસની તાણ હોવાની?
પ્રિયે મા કદી, કદી ભક્તિમાં, ભ્રમર થઈને રમું છું.

* ચટ્ટાનો તોડતી લહેરો સામે, હિંમત દાદ માંગે છે,
નિર્દોષ બાળના  ભાવે, રેતનું ઘર થઈને રમું છું.

* કાળને પણ કાળની મર્યાદા, બાંધી જવાની ,
*જય* કાલાતિત  કાવ્યમાં, અક્ષર થઈને રમું છું.
* * * * * * * * * * * * *
– કવિ : જય-  જયેશદાન ગઢવી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *