મહાન કાર્યો માટે મેદાનમાં ઝુકાવ્યા સિવાય પરિણામ સંભવ નથી. એ ભાવ સાથેની એક ગઝલ આપ સહુ માટે પ્રસ્તુત કરૂં છું. અપેક્ષા રાખું છું કે આપનો સ્નેહ પ્રતિસાદ મળશે.
કાળજું ઠરવું જોઈએ
* સિદ્ધાંતો સિદ્ધ કરવાને, મેદાને ઉતરવું જોઇએ.
રચો વિશ્વ કલ્પનાનો, સ્વયં ત્યાં ફરવું જોઈએ.
* ગજાવો વાત અમૃતની, સભામાં દાદ ને પામો.
કદી કોઈ તૃષિત ને ખાતર, અમી નિતરવું જોઈએ.
* નથી ક્રાંતિ સર્જાતી, મખમલી વાતો કરવાથી.
સુંવાળા રૂપને છોડી, કદી વિફરવું જોઇએ.
* અગોચર ભોમ છે આ તો, ભોમિયા પણ નથી મળતા.
કેડા જુદા કંડારવાને, એકલા વિચરવું જોઈએ.
* ધરીને હાથમાં મસ્તક, ખાંપણ ભરીને ખડીયે.
“યા હોમ” જપીને જંગમાં, નિડર થઈ નિસરવું જોઈએ.
* વિના અનુભવ બધી વાતો, લાગશે ફિક્કી ને બોદી.
રૂંધાતા કંઠ, પીડાતા હ્રદયે, અશ્રુ પણ ખરવું જોઈએ.
“જય” શેકાવું પડે જીવનભર, ભલેને યાતના સહતાં.
મરણ ટાણે જીવન સ્મરી, કલેજું ઠરવું જોઈએ.
* * * * * * * * * * * * * * *
-કવિ : જય -જયેશદાન ગઢવી.